આણંદ જિલ્લામાં દરેક વ્યક્તિએ ઘરની બહાર નિકળતી વેળાએ માસ્ક પહેરવું ફરજિયાત
- જિલ્લામાં કોરોના વાઇરસે અજગરી ભરડો લેતા
- ડેન્જર ઝોન બનેલા ખંભાત શહેરમાંથી બહાર જવા કે અન્ય જગ્યાએથી નગરમાં પ્રવેશવા પર પાબંધી લગાવાઈ
આણંદ, તા.17 એપ્રિલ, 2020, શુક્રવાર
નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારત તથા ગુજરાતમાં પ્રતિદિન આ વાયરસના કેસો વધતા જાય છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા તા.૧૩/૩/૨૦૨૦થી એપેડેમીક ડીસીઝ એક્ટ, ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
દેશમાં તા.૧૫/૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૃપે આ વિસ્તારમાં લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૃર જણાય છે. જે અંતર્ગત આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ દ્વારા આણંદ જિલ્લામાં ઘરની બહાર નીકળતા તમામ વ્યક્તિઓ માટે માસ્ક/રૃમાલ કે સ્વચ્છ કાપડથી નાક અને મોઢું ઢાંકવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
સાથે સાથે જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો હોય દિન-પ્રતિદિન વધતા જતા કોરોના પોઝીટીવ કેસોને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખંભાત નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બહાર નહી જઈ શકે તેવું ફરમાન પણ જારી કરવામાં આવ્યું છે. સાથે સાથે અન્ય વિસ્તારમાંથી ખંભાત નગરપાલિકા વિસ્તારમાં કોઈ વ્યક્તિ પ્રવેશ પણ નહીં કરી શકે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર, મેડીકલ ઈમરજન્સી તથા સરકારી કામકાજમાં જોડાયેલ વ્યક્તિઓ, સરકારી પ્રાઈવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓ ફરજ દરમ્યાન હોઈ તેમજ આ વિસ્તારમાંથી પસાર થતા માલવાહક વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરૃધ્ધ પગલા લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પાંચ વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.