આણંદ જિલ્લામાં વિદેશથી આવેલા 396 મુસાફરોની ચકાસણી કરાઈ
- કોરોના વાઇરસ સામે જાગૃતિના ભાગરૂપે
- 293 પ્રવાસીઓમાં હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ 103 પ્રવાસીઓનું સ્કેનિંગ પૂર્ણ કરાયું
આણંદ,તા.21 માર્ચ 2020, શનિવાર
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રભાવ વધે નહી તે હેતુથી અત્યાર સુધીમાં વિદેશથી આવેલ ૩૯૬ મુસાફરોની ચકાસણી કરવામાં આવી છે.
જો કે હજી સુધી આણંદ જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાયો હોવાનું તંત્રએ જણાવ્યું છે. રવિવારના રોજ જનતા કરફ્યુ માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોના વાયરસથી બચવા માટે પ્રજાજનોએ જાતે જ જાગૃત થઈ ઘરે રહેવાનું પસંદ કર્યું છે. જે મુજબ શનિવારના રોજ સવારના સુમારે શહેરના શાકમાર્કેટ સહિતની વિવિધ દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી હતી અને બપોર બાદ મોટાભાગના લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
ભારતના વિવિધ સ્થળોએ કોરોના વાયરસના કેસ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર સજાગ બન્યું છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર પણ આ અંગે ખાસ સાવધાની રાખી રહ્યું છે. જે મુજબ શુક્રવારના રોજથી આણંદ જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે. જેને લઈ શનિવારના રોજથી વાહનવ્યવહાર તેમજ લોકોની ચહલ-પહલથી ધમધમતા રહેતા બજારો પર અસર જોવા મળી હતી અને ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો.
શાળા-કોલેજો સહિત સિનેમાગૃહો અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે શહેરના વિવિધ માર્કેટોમાં પણ ગ્રાહકોની ઓછી ચહલ-પહલ રહેતા કેટલાક વેપારીઓ દ્વારા શનિવાર બપોર બાદ પોતાના ધંધા-રોજગારને તાળા મારી દેવાયા હતા. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૯૬ પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૦૩ પ્રવાસીઓનું સ્કેનીંગ પૂર્ણ થયેલ છે. જ્યારે ૨૯૩ પ્રવાસીઓ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું અને ૧ દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વિદેશથી આવતા મુસાફરોને સાવચેતીના ભાગરૂપે ચકાસણી કરી ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર સહિતના વહીવટી અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને મીટીંગોનો દોર સતત ચાલી રહ્યો છે. જો કે જિલ્લામાં હજી સુધી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો ન હોવાનું આરોગ્ય વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.
ભારતના વડાપ્રધાન સહિત રાજ્ય સરકાર દ્વારા રવિવારના રોજ જનતા કરફ્યુ માટે પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લામાં શનિવારના રોજથી જ જિલ્લાવાસીઓમાં કુતુહુલતા વ્યાપી હતી. વહીવટી તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલ ૧૪૪ની કલમ અને જનતા કરફ્યુની વાતો વચ્ચે સવારના સુમારે વેપારીઓએ પોતાના વેપાર-ધંધા શરૂ કર્યા હતા. જો કે રવિવારના રોજ જનતા કરફ્યુ હોઈ આણંદ શહેરની મોટી શાકમાર્કેટ સહિતના વિવિધ બજારોમાં ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે ગ્રાહકોએ પડાપડી કરી હતી અને બપોર સુધીમાં ખરીદી પૂર્ણ કરી હતી. બપોર બાદ મોટાભાગના બજારોમાં ગ્રાહકોની ચહલ-પહલ શાંત થઈ જતા કેટલાક વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ કરી દીધા હતા.
રવિવારના રોજ જનતા કરફ્યુને લઈને આણંદ શહેરના રીક્ષા એસોસીએશન સહિત મુસ્લીમ સમાજ દ્વારા પણ જનતા કરફ્યુને સમર્થન આપી રવિવારના રોજ એક દિવસ માટે ઘરે રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે.