Get The App

આણંદમાં સોમવારે હોલીકા દહન થયું ભક્તોએ પ્રદક્ષિણા કરી આરતી ઉતારી

Updated: Mar 6th, 2023

GS TEAM

Google News
Google News
આણંદમાં સોમવારે હોલીકા દહન થયું ભક્તોએ પ્રદક્ષિણા કરી આરતી ઉતારી 1 - image

- હોળી-ધૂળેટી પર્વની ધૂમ, બુધવારે લોકો રંગોત્સવ મનાવશે

- બજારોમાં ખરીદી જામી, પિચકારીઓના ભાવમાં આ વર્ષે 25 ટકા સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો

આણંદ : રંગોના પર્વ ધુળેટીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના બજારોમાં વિવિધ વેપારીઓ દ્વારા અલગ-અલગ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારની કાર્ટુનવાળી પિચકારીઓની સાથે સાથે વિવિધ ગનવાળી પિચકારીઓએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પિચકારીના ભાવમાં પચ્ચીસ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

ફાગણ સુદ પૂનમના દિવસે હોલીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પર્વને લઈને લગભગ સપ્તાહ પૂર્વે આણંદ જિલ્લાના બજારોમાં ધાણી, ચણા, ખજૂર, સેવ, હાયડા વગેરેનું વેચાણ શરૂ થઈ ગયું હતું. જો કે ચાલુ વર્ષે હોલીકા દહન માટે લોકોમાં તર્કવિતર્ક જોવા મળ્યા હતા પરંતુ આણંદ જિલ્લાના મોટાભાગના સ્થળોએ  સોમવારે હોલીકા દહનના કાર્યક્રમ યોજાયા હતા. સાંજના સુમારે ઠેરઠેર પૂજા, અર્ચના કર્યા બાદ હોલીકા દહન કાર્યક્રમમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંગળવારે પડતર દિવસ હોઈ લોકો ઉપવાસ-વ્રત રાખશે અને ત્યારબાદ બુધવારના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં ધુળેટી પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવશે.

ધુળેટી પર્વ દરમ્યાન લોકો એકબીજા ઉપર ગુલાલ તેમજ રંગ છાંટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધૂળેટી પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ગુલાલ તેમજ પિચકારીઓના તંબુ તાણી દેવાયા છે. હોળી-ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાંઓમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. જો કે ચાલુ વર્ષે વિવિધ પ્રકારની પિચકારીઓના ભાવમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો ભાવવધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.