આણંદ જિલ્લામાં ગુટખા-બીડી પાન મસાલાના બેફામ કાળાબજારની બૂમ
- અનલોક-1માં દુકાનો ખોલવાની છૂટછાટ અપાઈ છતા
- તમાકુ અને તમાકુની બનાવટો ઉપર એમઆરપી કરતા બમણાથી ત્રણ ગણા ભાવ વસૂલાતા હોવાની રાવ
આણંદ,તા.12 જૂન 2020, શુક્રવાર
કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતમાં ફરીથી લોકડાઉન થવાની હોવાની અફવા વચ્ચે આણંદ જિલ્લાના બજારોમાં છેલ્લા બે દિવસથી પુનઃ ગુટખા, પાન-મસાલા, બીડીના કાળા બજાર શરૂ થયા હોવાની ફરિયાદો ઉઠી છે. તમાકુ તેમજ તમાકુની બનાવટો ઉપર છાપવામાં આવેલ કિંમત કરતા બમણાંથી ત્રણ ગણાં ભાવ વસુલવામાં આવી રહ્યા હોવાનો સુર ઉઠવા પામ્યો છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં ત્રણ તબક્કામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જો કે લોકડાઉન દરમ્યાન દૂધ, શાકભાજી તથા જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાયની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકાતા તમાકુ તેમજ તમાકુની બનાવટના બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ પાનના ગલ્લાં બંધ રહેતા રાતોરાત તમાકુ તેમજ તમાકુની બનાવટોના ભાવ ઉચકાયા હતા અને ત્રણથી ચાર ગણાંનો ભાવ વધારો જથ્થાબંધ વેપારીઓએ વસુલ્યો હતો.
જો કે લોકડાઉન બાદ અનલોક-૧માં વિવિધ ધંધા-રોજગારને છુટછાટ મળતા હવે ધીમે-ધીમે પુનઃ જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં પુનઃ લોકડાઉન આવવાનું હોવાની અફવાએ જોર પકડયું છે. જો કે ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતમાં હવે પછી નવેસરથી લોકડાઉનની શક્યતા નથી તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં જિલ્લાના કેટલાક વેપારીઓ દ્વારા લોકડાઉનની અફવાનો ફાયદો ઉઠાવી તમાકુ તેમજ તમાકુની બનાવટોના બમણાંથી ત્રણ ગણાં ભાવ વસુલી રહ્યા હોવાની બુમો ઉઠવા પામી છે.
નવેસરથી લોકડાઉન આવવાનું હોવાની અફવાને લઈ આણંદ શહેરમાં તમાકુ તેમજ તમાકુની બનાવટોનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીઓને ત્યાં છુટક વેપારીઓ દ્વારા ખરીદી તેજ કરવામાં આવી છે. લોકડાઉન દરમ્યાન પડેલ અગવડોને ધ્યાનમાં લેતા કેટલાક વેપારીઓ દ્વારા અફવાઓના બજાર વચ્ચે પાન-મસાલા, બીડી-સીગરેટનો અગાઉથી સ્ટોક કરવા આણંદ શહેરના ગંજ બજારમાં પડાપડી કરવામાં આવી રહી છે. જિલ્લાના ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, ખંભાત, તારાપુર સહિતના તાલુકા મથકો ખાતે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
બીજી તરફ કેટલાક જથ્થાબંધ વેપારીઓ દ્વારા પાન-મસાલા, બીડી-સીગરેટના પેકેટ ઉપર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસુલવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ગ્રાહકો તેમજ નાના વેપારીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવતા કેટલાક જથ્થાબંધ વેપારીઓને તંત્ર કાયદાનો પાઠ ભણાવે તેવી સમયની માંગ છે.