Get The App

બોરસદ તાલુકાના ભાદરણ ગામે અંગત અદાવતમાં જૂથ અથડામણ : 2 ને ઈજા

Updated: Dec 12th, 2020

GS TEAM

Google News
Google News
બોરસદ તાલુકાના ભાદરણ ગામે અંગત અદાવતમાં જૂથ અથડામણ : 2 ને ઈજા 1 - image

આણંદ, તા.12 ડિસેમ્બર 2020, શનિવાર

બોરસદ તાલુકાના ભાદરણ ગામે બસ સ્ટેન્ડ નજીક ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે થયેલ મારામારીમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે ભાદરણ પોલીસે બંને પક્ષોની ફરિયાદને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ભાદરણ ગામે વણકરવાસમાં રહેતા જશભાઈ ઉર્ફે જયેશભાઈ અંબાલાલ પરમાર બોરસદ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં ફરજ બજાવે છે. તેઓના ફળીયામાં જ રહેતા નરસિંહ નારણભાઈ મકવાણાએ ગત તા.૧૩ નવેમ્બરના રોજ જશભાઈ પરમારના ભાઈ વિરૂધ્ધ ભાદરણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બાદમાં પાછળથી નરસિંહભાઈએ જશભાઈ સહિતના અન્ય કેટલાકના નામો ઉમેરવા અરજી આપી હતી. પરંતુ ફરિયાદમાં નામો ઉમેરાયા ન હતા. દરમ્યાન ગઈકાલ રાત્રિના સુમારે જશભાઈ બસ સ્ટેન્ડ નજીક આવેલ પાનના ગલ્લાં ઉપર ગયા હતા ત્યારે પારૂલબેન સુભાષભાઈ પરમાર તથા સુભાષ પરમારે આવી અપશબ્દો બોલી નરસિંહભાઈની ફરિયાદમાં તારું નામ ઉમેરાયું નથી પરંતુ હું તારી વિરૂધ્ધ ફરિયાદ કરી તને ફીટ કરાવી દઈશ અને તાલુકા પંચાયતમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકી આપી માર માર્યો હતો. દરમ્યાન અન્ય શખ્શોએ પણ તેઓને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જશભાઈ ઉર્ફે જયેશભાઈ અંબાલાલ પરમારે સુભાષભાઈ બાવજીભાઈ પરમાર, પારૂલબેન સુભાષભાઈ પરમાર, વિપુલ શનાભાઈ પરમાર, અરવિંદ કનુભાઈ પરમાર, રાકેશ પ્રવિણભાઈ પરમાર, કાર્તિક નગીનભાઈ પરમાર તથા હેમેશ અર્જુનભાઈ લુહાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામા પક્ષે સુભાષભાઈ બાવજીભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રિના સુમારે તેઓ પાનના ગલ્લેથી નીકળ્યા હતા અને પોતાની પત્નીને ફોન કરી બસ સ્ટેન્ડે બોલાવ્યા હતા. સાથે ઉમેશભાઈને પોલીસ પકડવા આવે છે કે કેમ તેનું ધ્યાન રાખવા માટે ઉભા હતા ત્યારે જયેશભાઈ અંબાલાલ પરમારે આવી અપશબ્દો બોલી ઝપાઝપી કરી પારૂલબેનને ઈજાઓ  પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભાદરણ પોલીસે જશભાઈ ઉર્ફે જયેશભાઈ અંબાલાલ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.