For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીજી મુલાકાતીઓને મળ્યા, મહત્વની ટપાલો વાંચી જવાબો લખતા રહ્યા

Updated: Mar 18th, 2024

ગાંધીજી  મુલાકાતીઓને મળ્યા, મહત્વની ટપાલો વાંચી જવાબો લખતા રહ્યા

- બોરસદમાં ધરપકડ થવાની શક્યતા વચ્ચે પણ 

- બોરસદમાં લગભગ દોઢેક માઈલ લાબું સરઘસ કાઢી લોકો બાપુનું સામૈયું કરવા આવ્યા

આણંદ : તા.૧૨મી માર્ચ, ૧૯૩૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ગાંધીજીની આગેવાનીમાં નીકળેલ દાંડીયાત્રા તા.૧૭મી માર્ચે આણંદ ખાતે આવી હતી અને ચરોતર કેળવણી મંડળ ખાતે રાતવાસો કર્યો હતો. તા.૧૮મી માર્ચે સવારે ગાંધીજીની મંડળી આણંદથી નાપા તરફ રવાના થઈ હતી.

આણંદથી નાપા સાત માઈલ દુર હતું. બે કલાકમાં યાત્રા નાપા પહોંચી ત્યારે હજારોે સ્ત્રી-પુરુષોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ધર્મશાળામાં ઉતારો રખાયો હતો. જ્યાં લડતનું રહસ્ય સમજાવતા ગાંધીજીએ કહ્યું કે, આજે અમે એ તાલુકામાં પ્રવેશ કર્યો છે કે જે તાલુકામાંથી સરદારને કેદ કરવામાં આવ્યા છે. જે રાજ્યમાં અન્યાય થાય, મીઠા જેવી વસ્તુ ઉપર કર લેવામાં આવે એવા રાજ્ય સામે રાજ્યદ્રોહ કરવો એ મારી ફરજ છે તેમ કહી ગાંધીજીએ સૌને લડતમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ગાંધીજીનો સંઘ નાપાથી તા.૧૮મી માર્ચે સાંજે બોરસદ પહોંચ્યો હતો. જ્યાં લગભગ દોઢેક માઈલ લાબું સરઘસ સામૈયું કરવા આવ્યું હતું.

તળાવ કિનારે આવેલ હાઈસ્કુલના મકાનમાં ગાંધીજીનો ઉતારો રાખવામાં આવ્યો હતો. સામેના વિશાળ મેદાનમાં વીસેક હજાર સ્ત્રી-પુરુષોની વિરાટ સભા મળી હતી. 

હાઈસ્કુલના મકાનના ઉંચા ઝરૂખામાંથી વિશાળ મેદનીને સંબોધન કરતા ગાંધીજીએ ધર્મયુધ્ધનું રહસ્ય સમજાવતા કહ્યું કે, રાજ ચલાવવા માટે અંગ્રેજો ભલે દારૂગોળો ફોડે, જેલમાં લઈ જાય, ફાંસીએ લટકાવે, પણ તે કેટલાને ? ૩૦ કરોડને ફાંસી દેતા ૧ લાખ ગોરાઓને કેટલો વખત જોઈએ તેનો હિસાબ કાઢજો તેમ કહેતા તેઓએ તમામને લડતમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું. બોરસદમાં ગાંધીજીની ધરપકડની શક્યતા હતી પરંતુ મોડી રાત સુધી માત્ર અફવાઓ જ ચાલી અને મુલાકાતો અને અગત્યની ટપાલોનો નિકાલ કરી ગાંધીજીએ મીઠી નીંદર માણી. બોરસદથી સવારના ૬ઃ૩૦ વાગે કૂચ રાસ તરફ રવાના થઈ હતી.

ખેડા જિલ્લા કલેક્ટરે ગાંધીજીની ધરપકડનો વિચાર છોડી દીધો

દાંડીયાત્રા સમયે ખેડા જિલ્લાના કલેક્ટરપદે માસ્ટર નામના એક અંગ્રેજ સિવીલીયન હતા અને બોરસદના રાસ ગામમાં સરદાર વલ્લભભાઈની ધરપકડ કરવાનું પરાક્રમ પણ તેમણે જ કર્યું હતું. ખેડા જિલ્લામાંથી દાંડીકૂચ હેમખેમ પાર ઉતરે તે કલેક્ટર માસ્ટર માટે આઘાતરૂપ હતું એટલે તેમણે કૂચ સાથે પ્રવાસ કરતા તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર દુર્લભજી દેસાઈને બોરસદમાં ગાંધીજીના ભાષણ ઉપર મનાઈહુકમની સુચના આપી હતી. જો કે રાષ્ટ્રીય ભાવનાવાળા તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરે ઉચ્ચ અધિકારીનું સુચન યોગ્ય ન લાગતા કલેક્ટરને સમજાવ્યું હતું કે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત કમિશ્નરને ગાંધીજીને પકડવાનું જરૂરી નથી લાગ્યું તો આપણે શા માટે જોખમ વહોરવું. જેથી ખેડા જિલ્લા કલેક્ટરે ગાંધીજીની ધરપકડનો વિચાર છોડી દીધો હતો.

સત્યાગ્રહી સેનાની આગેવાની લેવા અબ્બાસસાહેબ ત્યાં આવી પહોંચ્યા

દાંડીયાત્રા દરમ્યાન બોરસદમાં કદાચ ગાંધીજીની ધરપકડ થાય તેવી અફવા હતી. તેથી ગાંધીજીનું સ્થાન સંભાળવા સત્યાગ્રહી સેનાની આગેવાની લેવા અબ્બાસસાહેબ ત્યાં આવી પહોંચ્યા હતા. જે બોરસદમાં સરદાર સાહેબે વકીલાતની શરૂઆત કરી, ત્યાગ અને ટેકની મૂર્તિસમા ભક્તિબા અને દરબાર સાહેબની સત્યાગ્રહની છાવણી હતી અને જે બોરસદે મહાત્માજીની અમૃતવાણીનો સ્વાદ માણ્યો હતો તે બોરસદમાં પૂ.બાપુ પકડાય તો તે યથાયોગ્ય હોય તેમ સર્વનું માનવું હતું.

જે હાઈસ્કુલના મકાનમાં મહાત્માજીનો સંઘ ઉતર્યો હતો તે બદલ એની ગ્રાન્ટ બંધ કરવાનો સરકારે પેંતરો રચ્યો હતો. એટલે શાળાના દેશપ્રેમી સંચાલકોએ તે દિવસે સંચાલક મંડળની સભા ભરી અને હાઈસ્કુલને રાષ્ટ્રીય વિદ્યાલય બનાવી દીધું તથા સરકારી ગ્રાન્ટ પાછી વાળવાનો ઠરાવ કર્યો હતો.

Gujarat