ચાર શખ્સોએ મલેશિયા મોકલવાની લાલચ આપી યુવક સાથે 35 લાખની ઠગાઈ કરી
- ખંભાત તાલુકાના તામસા ગામમાં
- વિદેશ ઉપરાંત પૈસાનો વરસાદ વરસાવવાની લાલચ આપનાર ચાર શખ્સો સામે ફરિયાદ
આણંદ, તા.1 જૂન 2020, સોમવાર
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામના એક યુવાનને ચાર શખ્શોએ ભેગા મળી મલેશીયા મોકલી નોકરી અપાવવાની તેમજ પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી રૃા.૩૫ લાખનો ચુનો ચોપડયો હોવાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાવવા પામી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર શખ્શો સામે છેતરપીંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ખંભાત તાલુકાના તામસા ગામ ખાતે રાજપૂત ફળીયામાં વિક્રમભાઈ દિપસિંહ વણકર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ અવાર-નવાર કામકાજ અર્થે તારાપુર ખાતે આવતા હતા. દરમ્યાન થોડા સમય પૂર્વે તેઓ આશીષ ભટ્ટ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં તેઓ માતર તાલુકાના હાડવા ગામના રાજુભાઈ શેખ સાથે પરિચયમાં આવ્યા હતા. દરમ્યાન રાજુભાઈએ વિક્રમભાઈને મારી પાસે એક બાપુ છે જે પૈસાનો વરસાદ કરાવે છે તેમ ફોન મારફતે જણાવ્યું હતું. તમારે જો પૈસાનો વરસાદ કરાવવો હોય તો મને કહેજો તેમ જણાવતા વિક્રમભાઈ લાલચમાં આવી ગયા હતા અને રાજુભાઈ શેખને સંમતિ દર્શાવી હતી. જેથી રાજુભાઈએ તેઓની અમીનભાઈ સાથે મુલાકાત કરાવી હતી અને કરોડો રૃપિયાનો વરસાદ કરાવવા માટે વિધિ કરવી પડશે અને એના માટે રૃપિયાની જરૃર પડશે તેમ જણાવતા વિક્રમભાઈએ તેઓને રૃ.૪.૫૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ આશીષભાઈ ભટ્ટ, રાજુભાઈ શેખ, અમીન અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમાએ વિક્રમભાઈના પુત્રને મલેશીયા નોકરી અર્થે મોકલવાનું જણાવી રૃ.૧૧ લાખ લીધા હતા.
બાદમાં આશીષભાઈ ભટ્ટે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખ હોવાનું જણાવી વિક્રમભાઈના દિકરાને સીબીઆઈમાં નોકરી અપાવવાની લાલચ આપી રૃા.૧૫ લાખ લીધા હતા. આમ, અલગ-અલગ કામ મળી આશરે ૩૫ લાખ રૃપિયાની માતબર રકમ વિક્રમભાઈ પાસેથી લઈ કામ કર્યા ન હતા. જેથી વિક્રમભાઈએ કામ અંગે પુછપરછ કરી નાણાં પરત માંગણી કરતા ચારેય શખ્શોએ નાણાં પરત નહી મળે તેમ જણાવતા વિક્રમભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી તેઓએ આશીષભાઈ સહિતના સાગરીતો સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશીષ ભટ્ટ (રહે.આણંદ), રાજુભાઈ શેખ (રહે.હડવત, તા.માતર), અમીન અબ્દુલભાઈ શમા અને અબ્દુલભાઈ શમા (બંને રહે.ડુંગરપુર, પાલીતાણા) વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.