પેટલાદના નાર ગામે પાસેથી ટ્રકમાંથી 16.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- સાયકલના બોક્સની આડમાં દારૂ લઇ જવાતો હતો
- હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાં પોલીસે તપાસ કરતા દારૂ મળ્યો, 1 ની ધરપકડ
પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમને એક આઈશરમાં સાઈકલ બોક્સના પેકીંગની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું અને હાલ આ આઈશર ધર્મજ ચોકડી આગળ બલદેવ હોટલ સામે હોટલના પાર્કીંગમાં પાર્ક કરેલ હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે નાર ગામની સીમમાં હાઈવે ઉપર આવેલ હોટલના પાર્કીંગમાં તપાસ કરતા બાતમીવાળી આઈશર પડેલ હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે આઈશરની કેબીનમાંથી ચાલકને ઉતારી તેના નામઠામ અંગે પૂછપરછ કરતા તે સુરીન્દરસીંગ ઉર્ફે સોની નવાબસીંગ ચૌહાણ (રહે.નીલપુર, તા.રાજપુરા, જિ.પટીયાલા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવરને આઈશર ગાડીમાં શું ભરેલ છે તેમ પુછતા હીરો સાયકલોના પેકીંગ બોક્સ ભરેલાનું જણાવી બીલ્ટી તથા બિલ રજૂ કર્યું હતું. પોલીસે શંકાના આધારે આઈશર ગાડીના પાછળના ભાગે તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ સાયકલના બોક્સ ગોઠવેલ હોવાનું જોવા મળ્યું હતું.
જો કે પોલીસે બોક્સ હટાવી નીચેના ભાગે તપાસ કરતા વિદેશી દારૂના પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે ડ્રાઈવર પાસે પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે આઈશરમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની ૩૮૫ પેટી જેમાં ૧૦૭૨૮ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને ક્યાં લઈ જવાનો હતો તે બાબતે પકડાયેલ શખ્સની વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો અબોહર પંજાબથી એક શખ્સે ભરાવી આપ્યો હોવાનું અને ધર્મજ ચોકડી આગળ બળદેવ હોટલ ખાતે રોકાવા જણાવ્યું હોવાનું કબૂલ્યું હતું.
જેથી પોલીસે રૂા.૧૬,૬૮,૯૬૦નો વિદેશી દારૂનો જથ્થો, રૂા.૧૫ લાખની આઈશર, અંગઝડતીમાંથી રોકડ રૂા.૮૬૦૦, મોબાઈલ ફોન કિં.રૂા.૫હજાર તથા ૧૨૯ નંગ સાયકલના બોક્સ અંદાજીત કિં.રૂા.૯,૭૪,૬૮૧ મળી કુલ્લે રૂા.૪૧,૫૭,૨૪૧નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.