બાકરોલ ગામે આંગણવાડીના ધાબા પર સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો
- દારૂ સંતાડવાનો નવો કિમિયો પણ નિષ્ફળ
- એક શખ્સની ધરપકડ કરાઇ, મકાનની ઓસરીમાંથી પણ દારૂની પેટીઓ મળી આવી
વિદ્યાનગર પોલીસની ટીમ ગઈકાલ સમી સાંજના સુમારે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાકરોલના પુરૂષોત્તમનગર ખાતે રહેતા ફીરોજમીયાં નસીરુદ્દીન શેખે એક આંગણવાડીના મકાનના ધાબા ઉપર વિદેશી દારૂ સંતાડી ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા આંગણવાડીના ધાબા ઉપરથી રૂા.૪૮૫૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બીજી તરફ આણંદ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે બાકરોલ ગામે પુરુષોત્તમનગરમાં રહેતો ફીરોજમીયા નસીરુદ્દીન શેખ પોતાના મળતીયાઓ સાથે વિદેશી દારૂનું વેચાણ કરે છે અને હાલમાં તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે પુરૂષોત્તમનગર ખાતે ઓચિંતો છાપો મારતા એક મકાન આગળથી એક શખ્સ મળી આવ્યો હતો. પોલીસને જોતા જ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડી તેના નામઠામ અંગે પૂછતા તે ફીરોજમીયાં નસીરુદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેના મકાન બાબતે પૂછતા તેના મિત્રનું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મકાનમાં તપાસ કરતા ઓસરીમાંથી બીયરની પેટીઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નડિયાદના મુન્નાભાઈ પઠાણ પાસેથી મંગાવ્યો હોવાનું અને મિત્ર ધારુરામ મારવાડી ઘરે હાજર ન હોઈ તેઓના ઘરની બહાર ઓસરીમાં મુકેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂા.૨૧૬૦૦નો બીયરનો જથ્થો જપ્ત કરી બુટલેગર ફીરોજમીયા શેખ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આણંદ પાસેના બાકરોલ-જોળ પંથકમાં વિધાનસભાની ચૂંટણી બાદ કેટલાક બુટલેગરો સક્રિય થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક રાજકીય નેતાના પીઠબળ હેઠળ બુટલેગરોએ ખાનગી રાહે વિદેશી દારૂનો વેપલો જોરશોરથી શરૂ કર્યો હોવાની વાતો વહેતી થઈ છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોવાનું આણંદ તથા આસ પાસના પંથકમાં જોવા મળી રહ્યું છે.