બોરસદથી વિવિધ યાત્રાધામ માટે એસ.ટી. બસો ચાલુ કરવા માંગ
- વારંવારની રજૂઆતો છતાંય ધ્યાન અપાતું નથી
- બોરસદ-વલસાડ રૂટને મહારાષ્ટ્રના શીરડી, બોરીવલી કે સાપુતારા સુધી લંબાવવા માંગ
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ડેપો ખાતેથી વિવિધ યાત્રાધામ સ્થળોએ એસ.ટી. બસના રૂટ ચાલુ કરવામાં આવે તે અંગે બોરસદના ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય દ્વારા આ અંગે એસ.ટી. ડેપોમાં રજૂઆત કરી પ્રજાના હિતમાં કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિક રહીશો દ્વારા આ મામલે બોરસદના ધારાસભ્યને આ અંગે રજૂઆત કરાઈ છે. સ્થાનિકો દ્વારા બોરસદ-અમદાવાદ-ભૂજ, બોરસદ-અમદાવાદ-ઉદયપુર-શ્રીનાથદ્વારા, વડોદરા-બોરસદ-દ્વારકા, વડોદરા-બોરસદ-સોમનાથ એસ.ટી. રૂટ ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ એસ.ટી. તંત્ર દ્વારા તે પૈકી એકપણ શીડયુલ ચાલુ કરાયો નથી. લગભગ એક માસ પૂર્વે રાજસ્થાન તરફનો એક શીડયુલ પાસ કરાયો હતો તે પણ હજુ સુધી ચાલુ કરાયો નથી. ઉપરાંત બોરસદ-વલસાડ રૂટને મહારાષ્ટ્રના શીરડી, બોરીવલી કે સાપુતારા સુધી લંબાવવા માટે પણ રજૂઆત કરાઈ હતી તે અંગે પણ પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. ત્યારે બોરસદ શહેર તથા તાલુકાની પ્રજાના હિતને ધ્યાનમાં લઈ આ રૂટો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.