Gujarat

આણંદમાં ડોર ટુ ડોર સર્વેનો પ્રથમ રાઉન્ડ પુરો, અત્યાર સુધીમાં તમામના રિપોર્ટ નેગેટિવ

By GS Team
4 Apr 20202 mins read
This article was originally published on 4 Apr 2020
આણંદમાં ડોર ટુ ડોર સર્વેનો પ્રથમ રાઉન્ડ પુરો, અત્યાર સુધીમાં તમામના રિપોર્ટ નેગેટિવ

- 9894 જેટલા દર્દીઓને તાવ, શરદી, ખાંસીની સારવાર અપાઈ
- 49 દર્દીઓને સ્થળ પર સારવાર અપાઈ

આણંદ,તા 3 એપ્રિલ 2020, શુક્રવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલ જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્દઅનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૩૫૯ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૨૦૫૬ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૩૦૩ પ્રવાસીઓ ઓર્બ્ઝવેશન હેઠળ છે. કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે તા.૧/૪/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં 59 દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. તેમાં તા.૧/૪/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા.૦૨/૦૪/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ચાર દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૬૩ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ જણાવ્યું છે.

જિલ્લામાં નોવેલ કોરોના-૧૯ મહામારીને ધ્યાને લઈ હાઉસ ટુ હાઉસ આરોગ્ય તપાસ સર્વેના પ્રથમ રાઉન્ડમાં આણંદ જિલ્લાની તમામ વસ્તીને આવરી લઈ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૯૮૮૪ સામાન્ય શરદી, ખાંસી, તાવવાળા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. હાલ આણંદ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ આરોગ્ય તપાસનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૨૫૬૩૭ ઘરોની મુલાકાત લઈને કુલ ૧૨૩૫૮૫ વસ્તી આવરી લેવામાં આવી હતી. જેમાં ૪૯૬ દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.