વિદ્યાનગરની જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી, 2 કર્મચારીઓ દાઝી ગયા
- ડ્રમમાં કેમીકલ હિટિંગ કરતા ઓવરહીટ થઈ જતા અચાનક આગ ફાટી નીકળી
- આગને લઇને દોડધામ મચી, ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
વલ્લભ વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં પાણીની ટાંકી નજીકના અંબિકા એસ્ટેટ ખાતે આવેલ ગમ પેડ બનાવતી ફેક્ટરીમાં ડ્રમમાં કેમીકલ હીટીંગ કરતા સમયે કેમીકલ ઓવરહીટ થઈ જતા અચાનક આગ ફાટી નીકળી હતી.
આગના કારણે કેમીકલ ઉડતા ફેક્ટરીમાં કામ કરતા બે કર્મચારીઓ અર્જુન પટેલ અને હસમુખ પટેલ દાઝી જતા તેઓને તુરત જ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફેક્ટરીના કર્મચારીઓએ અગ્નિશામક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ થોડી જ મિનિટો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફેલાતા નજરે પડયા હતા.
આ ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને થતા ફાયરમેન નરેન્દ્ર પંડયા સહીતના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગના કારણે ગમ પેડ અને રો-મટીરીયલ્સ બળીને ખાખ થઈ જતા ભારે નુકશાન પહોંચ્યું હતું. આગની ઘટનાને લઈ સ્થાનિકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.