ખંભાત પાસે કલમસર GIDC માં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે
- ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારમાં એક અઠવાડિયામાં આગની ત્રીજી ઘટના
આણંદ, તા. 28 જૂન 2020, રવિવાર
ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં એક અઠવાડિયામાં બીજીવાર આગનો બનાવ સામે આવ્યો છે. રવિવારના રોજ આણંદ જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.
આ અંગે મળતી માહિતી અનુસાર આણંદજિલ્લાના ખંભાત નજીક આવેલા કલમસર પાસે જય કેમીકલ નામની ફેક્ટરીમાં રાત્રે 10.15 કલાકે અચાનક વેરહાઉસ પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ ખંભાત નગરપાલિકાના ફાયર વિભાગને કરતાં ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ આગ વધુ પ્રસરતાં આણંદ, પેટલાદ, નંદેસરી વગેરે સ્થળના ફાયર વિભાગને જાણ કરી દેવાઈ હતી અને વધુ છ જેટલા ફાઇટર્સ સાથે લાશ્કરો આગ બુઝાવવા દોડી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત કરી રહ્યો છે.
આગમાં વેસ્ટ કેમિકલનો જથ્થો હોવાથી આગ વધુ ધડાકા સાથે લાગી રહી છે. જેના કારણે ફાયર ફાઇટરને વધુ જહેમત ઉઠાવવી પડી છે. આ આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી, ફેક્ટરી બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આસપાસના ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હાલ આ આગ કંઈ રીતે લાગી? તેની જાણકારી હજુ સુધી થઈ શકી નથી. પોલીસ પણ લોકોને ત્યાંથી હટાવવા મથી રહી છે. ફાયર વિભાગ દ્વારા હજુ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં આગની આ ત્રીજી ઘટના છે. 24 જૂનના રોજ સાણંદમાં જીઆઈડીસીમાં ડાયપર બનાવતી જાપાની યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી. જ્યારે શનિવારના રોજ વલસાડ સ્થિત સરીગામ GIDCમાં આવેલી ફેક્ટરીમાં પણ આગની ઘટના બની હતી.