FOLLOW US

આણંદના મેઘવા ગામે તમાકુ, ઘઉં, બટાકા સહિતના પાકને વ્યાપક નુકસાન

Updated: Mar 17th, 2023


- માવઠાને લીધે જિલ્લામાં ખેતીને પારાવાર નુકસાની

- આશરે 300 વીઘા જમીનમાં તમાકુ અને 200 વીઘા જમીનમાં બટાકાને કમોસમી વરસાદથી નુકસાન

આણંદ : બે દિવસ પૂર્વે આણંદ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને પગલે આણંદ જિલ્લાના મેઘવા ગામમાં તમાકુ, ઘઉં, બટાકા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે આગામી તા.૨૦મી સુધી રાજ્યના કેટલાક સ્થળોએ માવઠુ થવાની સંભાવનાને લઈ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

ગત બુધવાર રાત્રીના સુમારે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લાના મેઘવા ગામે રાત્રીના સુમારે થયેલ કમોસમી વરસાદના કારણે તમાકુ, ઘઉં તથા બટાકા સહિતના ખેતી પાકોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. મેઘવા ગામના અનેક ખેડૂતોએ ખેતરોમાં તૈયાર થયેલ તમાકુનો પાક કાપીને ખેતરમાં મુક્યો હતો. માવઠુ થતા આ પાક પલળી જતા તેના યોગ્ય ભાવ નહી મળે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સાથે સાથે કેટલાક ખેતરોમાં બટાકાનો પાક તૈયાર હોઈ હાલ વીણવાની કામગીરી ચાલી રહી છે. આવા સમયે કમોસમી વરસાદ થતા બટાકાના પાકમાં પણ બગાડ થવાની સંભાવના છે. આ અંગે એક સ્થાનિક ખેડૂતના જણાવ્યા મુજબ તેઓએ ચાર વીઘા જમીનમાં તમાકુનો પાક કર્યો હતો. મોંઘાદાટ બીયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચ કર્યા બાદ સારો ભાવ મળવાની આશા હતી પરંતુ પાક તૈયાર થવા ટાણે કમોસમી વરસાદ વરસતા પલળેલી તમાકુનો અડધો ભાવ પણ નહીં મળે અને ૫૦ ટકાથી વધુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

મેઘવા ગામે અંદાજે ૩૦૦ વીઘા જમીનમાં તમાકુ અને ૨૦૦ વીઘા જમીનમાં બટાકાની ખેતી કરવામાં આવી છે. જો કે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં ઘઉંના પાકને પણ નુકશાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના આ આર્થિક નુકસાન અંગે સહાય જાહેર કરવામાં આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે. 

Gujarat
Magazines