2 દિવસ વિતી ગયા છતાં પણ વડોદરાથી અમદાવાદની મેમુ ટ્રેન શરૂ જ ન થઇ
- મોટા ઉપાડે પેસેન્જર ટ્રેનો ફરી શરૂ થવાની જાહેરાત થવા છતાં અમલ નહીં કરતા મુસાફરોમાં હોબાળો
ચરોતર પ્રદેશમાં લાંબા સમયથી પેસેન્જર-મેમુ ટ્રેનો રદ કરાતા આણંદ, નડિયાદ, કણજરી-બોરિયાવી, ઉત્તરસંડા, મહેદાવાદ, ગોઠાજ, કનીજ, નૈનપુર, વડોદ,વાસદ, અડાસ રોડ રેલવે સ્ટેશનો દ્વારા દૈનિક ધોરણે એક સ્થળેથી બીજા સ્થળે અપડાઉન કરતા મુસાફરોને છેલ્લા દોઢ વર્ષથી એસટી બસ, ખાનગી વાહનોમાં મોટી રકમ ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
જોકે યાત્રિકોની માંગણીને ધ્યાને લઇને વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવીઝન દ્વારા ગત બુધવારથી સુરત-વડોદરા મેમુ, ભરૂચ-સુરત મેમુ, વડોદરા-સુરત-વડોદરા મેમુ, વડોદરા-અમદાવાદ-વડોદરા મેમુ, વડોદરા-દાહોદ-વડોદરા, આણંદ-ખંભાત-આણંદ ડેમુ, ખંભાત-આણંદ ડેમુ અને ભરૂચ-સુરત-ભરૂચ મેમુ ટ્રેન કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં પાસધારકોને સિઝન પાસ ઉપર મુસાફરી કરી શકશે તેવો મહત્વનો નિર્ણય લેવાતા લાંબા સમયથી ખાનગી વાહનોમાં તગડી રકમ ખર્ચીને અપડાઉન કરતા મુસાફરોમા રાહત વ્યાપી હતી. જોકે મેમુ ટ્રેન શરૂ કરવાના નિર્ણય વચ્ચે વડોદરા-અમદાવાદ-વડોદરા મેમુ આજદિન સુધી કાર્યરત ન થતાં રેલવે તંત્રના દાવા પોકળ સાબિત થયા હોવાનો સૂર મુસાફરોમા વહેતો થયો છે.
ટ્રેનોના સમયપત્રકના મુદ્દે અવઢવની સ્થિતિ
વડોદરા રેલવે વિભાગીય કચેરી દ્વારા ૧૬ મેમુ શર કરવાના નિર્ણય વચ્ચે જે-તે ટ્રેનોના સમયપત્રક જાહેર ન કરતા દૈનિક આવનજાવન કરતા યાત્રિકોમાં ટાઇમટેબલના અભાવે દ્વિધાયુક્ત સ્થિતિ સર્જાઇ છે. જેમાં પ્રત્યેક દિને અભ્યાસ, નોકરી, વ્યવસાયમાં નિયત સમયે પહોંચવુ જરૂરી હોઇ ટ્રેનોનો આવન-જાવનનો સમયગાળો નિશ્ચિત ન થતાં અનિશ્ચિતતા સર્જાઇ છે.