પેટલાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કર્મચારીઓના ધરણા-સૂત્રોચ્ચાર
- કોન્ટ્રાક્ટ આધારીત કર્મચારીઓને 2 માસથી પગાર ન મળતા વિરોધ
- સમયસર પગાર ન થતા 35 થી વધુ કર્મચારીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૩૫થી વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવે છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતી મહિલા નર્સ તથા અન્ય કર્મચારીઓને છેલ્લા બે માસથી વેતન ન મળતા આજે તેઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. કર્મચારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે માસથી તંત્ર દ્વારા પગાર મામલે ગલ્લા તલ્લા કરવામાં આવતા તેઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલની મહિલા નર્સોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વહીવટી અધિકારી રજા ઉપર હોય આ સમસ્યા ઉદ્ભવી છે. હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ આ અંગે રજૂઆત કરવા જતા વહીવટી અધિકારીની સહી બાકી હોઈ તેઓ આવીને સહી કરશે ત્યારે પગાર થશે તેવા જવાબો આપવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી વહીવટી અધિકારી માંદગીના બીછાને હોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પગારથી વંચિત રહેવા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.