આણંદ જિલ્લામાં કિલર કોરોનાનો ભરડો યથાવત : વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા
- અનલોક-1માં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો
- આણંદમાં , વલાસણમાં બે, ભાલેજમાં એક, સોજિત્રામાં એક અને બોરસદના ખાનપુરમાં એક કેસ નોંધાતા ફફડાટ
આણંદ,તા. 25 જૂન 2020, ગુરુવાર
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અનલોક-૧માં છુટછાટો મળવાની સાથે સાથે આણંદ શહેર તેમજ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના નવા કેસો પ્રકાશમાં આવતા જિલ્લાભરમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આજે પણ જિલ્લામાંથી કોરોનાના કુલ આઠ પોઝીટીવ કેસ મળ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. શહેરી વિસ્તાર બાદ હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે-ધીમે કોરોના વાયરસનું સંક્રમણ વધતા આગામી દિવસોમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આજે આણંદ શહેરમાંથી ત્રણ, વલાસણ ખાતેથી બે તેમજ ઉમરેઠ તાલુકાના ભાલેજ, સોજિત્રા તેમજ બોરસદ તાલુકાના ખાનપુર ખાતેથી એક-એક કોરોનાના નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદ શહેરની પોલસન ડેરી રોડ ઉપર આવેલ મિસ્ફલ્લા સોસાયટીમાં રહેતા એક ૫૩ વર્ષીય પુરૂષ, ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ એક રહેણાંક સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પુરૂષ તથા ભાલેજ રોડ ઉપર આવેલ ઉમરીનગર ખાતે રહેતા એક ૭૩ વર્ષીય પુરૂષ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સાથે સાથે સોજિત્રા તાલુકાના વ્હોરવાડ વિસ્તારના નવા ચોક ખાતે રહેતા ૬૮ વર્ષીય પુરૂષ પણ કોરોનાની ઝપેટમાં આવતા સોજિત્રા ગામમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. બીજી તરફ ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે થોડા દિવસ પૂર્વે નયા વતન સોસાયટી ખાતેથી એક કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યા બાદ આ જ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાયરસે જિલ્લાના વધુ એક નવા વિસ્તારમાં પગપેસારો કરતા બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતા એક ૪૪ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે ગઈકાલે આણંદ તાલુકાના વલાસણ ગામેથી એક ૭૦ વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ મળી આવ્યા બાદ આજે વધુ બે વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વલાસણ ગામે રહેતા એક ૭૬ વર્ષીય પુરૂષ અને ૬૬ વર્ષીય પુરૂષ કોરોના વાયરસમાં સપડાયા હોવાની જાણકારી મળી છે. આણંદ શહેરના ત્રણ તથા સોજિત્રા, ભાલેજ અને ખાનપુરના તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલ વડોદરાની એમએમસી હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
જ્યારે વલાસણ ગામના બંને કોરોનાગ્રસ્ત દર્દીઓને આણંદની અશ્વિની હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ શહેરમાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પાલિકા તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમો તુરત જ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોના આરોગ્યની તપાસણી હાથ ધરી આ વિસ્તારમાં સેનીટાઈઝીંગની કામગીરી કરી વિસ્તારને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.