આણંદ જિલ્લામાં 1.9 લાખ લોકોને ઉકાળા 48 હજાર હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ
- કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે
- ૧૭૨૮ કોરોના યોદ્ધાઓએ લૉકડાઉન દરમિયાન ઘરે ઘરે ફરીને નાગરિકોને માર્ગદર્શન આપ્યું
આણંદ, તા.5 જુલાઈ 2020, રવિવાર
આણંદ જિલ્લામાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાભરના વયોવૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન અને આયુષ તેમજ હોમીયોપેથી દવાઓના વિતરણનું કામ ૧૭૨૮ જેટલા યુવાનો લોકડાઉન અને અનલોકનાં ગાળામાં ઘર ઘર ફરીને કરી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૪૧૧ જેટલી જાહેર જગ્યાઓ (દૂધની ડેરી, બેન્ક, શાકમાર્કેટ વગેરે) ઉપર કુલ ૭૭૭ કોરોના યોધ્ધાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સની કામગીરી કરી અનાજ વિતરણ વ્યવસ્થામાં કુલ ૬૦૦ જેટલી અનાજની દુકાન ઉપર, અત્યાર સુધી ૧૫૦૦ જેટલા કોરોના યોધ્ધાઓએ સેવા આપી તેમજ ૨૬૩ જેટલા કોરોના યોધ્ધાઓ ખુબ જ જરૃરમંદ હોય તેવા ૧૭૬૬ પરિવાર સુધી પહોંચી, સ્થાનીક સેવા સંસ્થા તથા તાલુકા અધિકારીના સંકલન દ્વારા અનાજની કીટ અપાવી, લોકડાઉન દરમિયાન જિલ્લામાં ૨૯૦ જેટલા કોરોના યોધ્ધાઓ દ્વારા કુલ ૮૮૬૬ જેટલા લોકોને ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું. લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૧૦૦થી વધુ લોકોને ઈમરજન્સીમાં દવા પહોંચાડવા જેવી કામગીરી હાથ ધરાઈ, લોકડાઉન દરમિયાન જિલ્લામાં કુલ ૪૪૩૩ જેટલા જરૃરમંદ પરિવારોને શાકભાજી, દૂધ જેવી જીવન જરૃરી સામગ્રીનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.