Get The App

હાઇવે પર ડીઝલ ચોરતી ગેંગે નડિયાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચોરી કબુલી

Updated: Apr 29th, 2022

GS TEAM


Google News
Google News
હાઇવે પર ડીઝલ ચોરતી ગેંગે નડિયાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચોરી કબુલી 1 - image


- કોર્ટે તમામ 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

- વાસદ ટોલનાકા પાસે વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી મધ્ય પ્રદેશની ગેંગના 6 સભ્યો ઝડપાયા હતા

આણંદ : આણંદ જિલ્લાના વાસદ ટોલનાકા નજીકથી ગઈકાલ વહેલી પરોઢના સુમારે વાસદ પોલીસે ડિઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડતા આ ગેંગે વાસદ ઉપરાંત વેળાવદર, નડીયાદ, મહારાષ્ટ્રના સોલાપુર, કર્ણાટકના ચિત્તુર તેમજ બગોદરા હાઈવે ઉપર અલગ-અલગ સ્થળોએ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

હાઈવે ઉપર પાર્કિંગમાં મુકેલ વાહનોમાંથી ડિઝલ ચોરી કરતી મધ્યપ્રદેશની એક ગેંગ વાસદના ટોલનાકા નજીકથી પસાર થનાર હોવાની બાતમી વાસદ પોલીસને મળી  હતી.

 જેને આધારે વાસદ પોલીસની ટીમે ગઈકાલ વહેલી પરોઢના સુમારે વાસદ ટોલનાકા નજીક ગુપ્ત વોચ ગોઠવી એક ટ્રકમાં આવી ચઢેલ આંતરરાજ્ય ગેંગને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી હતી. 

પોલીસે ટ્રકમાંથી ડિઝલ ભરેલ કેરબા, સહિતની ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂા.૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

પોલીસે ઝડપાયેલ છ શખ્શોની વધુ પુછપરછ કરતા આ આંતરરાજ્ય ગેંગે છેલ્લા કેટલાક માસમાં વાસદ, ભાવનગરના વેળાવદર, નડીયાદ ગ્રામ્ય તેમજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી. 

સાથે સાથે ચાલુ માસે કર્ણાટકના ચિત્તુર નજીક તેમજ ગત તા.૨૭મી એપ્રિલના રોજ રાત્રિના સુમારે વટામણથી બગોદરા હાઈવે ઉપર અલગ-અલગ સ્થળો ઉપર પાર્ક કરેલ ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. વાસદ પોલીસની ટીમે આ તમામ છ શખ્શોને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે તેઓના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

Tags :