આણંદના નાપાડવાંટાના ચાણસીપુરા ગામે જુગારધામ ઝડપાયું : 12 શખ્સોની અટક
- પોલીસે ઓચિંતો છાપો મારતા નાસભાગ મચી
- વડોદરા, જેતલપુર સહિતના વિસ્તારોના જુગારી પકડાયા સ્થળ પરથી મોબાઇલ, રોકડ સહિત રૃા. ૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત
આણંદ, તા.3 જૂન 2020, બુધવાર
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં દારૃ જુગારની બદી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આણંદ ગ્રામ્ય પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ તાલુકાના નાપાડ વાંટાના ચાણસીપુરા ગામે ઓચિંતો છાપો મારીને રૃા.૨.૬૬ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૧૨ શકુનીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ગઈકાલ સાંજના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન નાપાડ વાંટાના ચાણસીપુરા ગામે નહેરના નાળા પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્શો એકત્ર થઈ જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્શોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી નિતેશ કીરીટભાઈ જોષી (રહે.ગામ અનગઢ), શૈલેષ રમણભાઈ ગોહિલ (રહે.ગામ રામપુરા, તા.જી.વડોદરા), સોહેલ ઈકબાલભાઈ રાણા (રહે.નાપાડ વાંટા, વાડી વિસ્તાર), ફરીદખાન અભેસિંગ રાઠોડ (રહે.સુલતાનપુરા, નાપાડ વાંટા), દક્ષેશ મનુભાઈ પંચાલ (રહે.છાણી, વડોદરા), વાહીદ પ્યારાસાહેબ રાઠોડ (રહે.ખારાકૂવા વિસ્તાર, નાપાડ વાંટા), ઈરફાન ઉર્ફે ટીરુ મેરુભા રાણા (રહે.રાજ ફળીયું, નાપા વાંટા), શાહીદ અબ્દુલરજ્જાક ઉરેજી (રહે.રાજ ફળીયું, નાપા વાંટા), રહીમભાઈ મકસુદભાઈ રાણા (રહે. મકનશા બાવાની દરગાહ પાસે, નાપા વાંટા), જીગ્નેશભાઈ અંબાલાલ પટેલ (રહે.જેતલપુર રોડ, વડોદરા), વિશાલભાઈ ઠાકોરભાઈ મોદી (રહે.વાઘોડીયા રોડ, વડોદરા) અને નિખિલ જ્યંતિભાઈ પટેલ (રહે.છાણી, વડોદરા)ને ઝડપી પાડયા હતા. જ્યારે રશીદખાન પ્યારાસાહેબ રાણા (રહે.નાપા, વાંટા) ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી તેમજ ઝડપાયેલ શખ્શોની અંગજડતીમાંથી રોકડ, જુગાર રમવાના સાધનો તેમજ મોબાઈલ ફોન, મોટરસાયકલ તથા બે એક્ટીવા મળી કુલ્લે રૃા.૨,૬૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ તમામ શખ્શો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.