રોજમદાર અને આઉટ સોર્સિંગ કર્મચારીઓની કાયમી કરવા માંગણી
- આણંદની વેટરનરી કોલેજ તથા ડેરી સાયન્સ કોલેજ કામધેનુ યુનિ.ના
- જિલ્લા કલેક્ટર તથા આણંદના સાંસદને લેખિત રજૂઆત
રોજમદાર તથા આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના નિયંત્રણ હેઠળની વેટરનરી કોલેજ તથા ડેરી સાયન્સ કોલેજના જુદા જુદા વિભાગોમાં ૧૮૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલની કાળઝાળ મોંઘવારીમાં માત્ર આઠથી દસ હજારના પગારમાં બાળકોના ભરણ પોષણ તથા અભ્યાસ સહિતના ખર્ચને પહોંચી વળવામાં અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રોજમદારો તથા આઉટ સોર્સિંગ કર્મચારીઓ નિષ્ઠાથી કાર્યરત છે. વૈશ્વિક મહામારી કોરોના તથા લમ્પી વાયરસ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓએ સતત ફરજ બજાવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓને કાયમી કરવાની રજૂઆત સામે માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. કામધેનુ યુનિ.ના સૂત્ર 'અમારું ધ્યેય સર્વે જીવોનું કલ્યાણ' સાચા અર્થમાં સાર્થક થાય તે હેતુથી તમામ રોજમદાર આઉટ સોર્સિંગ કર્મચારીઓને કાયમી ધોરણે નિમણુંક આપવામાં આવે તથા કાયમી થયા બાદ તેઓએ આપેલી સેવાઓને સળંગ ગણી સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર વેતન ચૂકવવામાં આવે તેવી માંગણી કર્મચારીઓ દ્વારા કરાઈ છે.