ખંભાતમાં જાહેરનામાના ભંગ બદલ પૂર્વ ધારાસભ્ય સહિત 18 સામે ગુનો
- તોફાનના ચોથા દિવસે પણ શહેરમાં તંગદિલીભર્યો માહોલ
- 144 કલમ લાગુ હોવા છતાં મંગળવારે સભા યોજીને ઉશ્કેરણીજનક ભાષણ કરતા મોચીવાડમાં છમકલું થયું હતું
આણંદ,તા.26 ફેબ્રુઆરી 2020, બુધવાર
ખંભાત ખાતે છેલ્લા ત્રણ દિવસથી બે કોમ વચ્ચે થયેલ જૂથ અથડામણને લઈ સમગ્ર શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. શહેરમાં ફાટી નીકળેલ તોફાનો બાદ ધારા ૧૪૪ લગાવવામાં આવી હતી. જો કે મંગળવારના રોજ જાહેરનામાનો ભંગ કરી સભા ભરી ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવતા શહેરના મોચીવાડ વિસ્તારમાં છમકલુ થતા આ ગુનામાં પૂર્વ ધારાસભ્ય સહિત ૧૮ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો છે.
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ ગત રવિવારના રોજ ખંભાત ખાતે બે કોમના જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેના પગલે ખંભાત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ખંભાતમાં બે કોમો વચ્ચે વયમનસ્વ વધતા તોફાનો ફાટી નીકળ્યા હતા. જેને લઈ ભારે નુકસાન થવા પામ્યું હતું. સાથે સાથે બે દિવસથી વેપાર ધંધા પણ બંધ હોવાથી નાગરિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખંભાત નગરમાં ફાટી નીકળેલ તોફાનોને લઈ ગતરોજ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈ ખંભાતના બજારો બંધ રહેવા પામ્યા હતા.
જો કે મંગળવારના રોજ શહેરના ગવારા ટાવર ખાતે પાંચ હજારથી વધુ લોકોને એકઠા કરી સભા યોજવામાં આવી હતી. આ સભામાં ઉશ્કેરણીજનક ભાષણ કરતા એક ટોળુ મોચીવાડ ખાતે પહોંચી ગયું હતુ અને બે જેટલા મકાનો તેમજ ત્રણથી ચાર જેટલી દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જેને લઈ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થતા અફડા-તફડી મચી જવા પામી હતી.
જો કે ખંભાતમાં ફાટી નીકળેલ તોફાનોને પગલે શહેરમાં ૧૪૪ ધારા લગાવવામાં આવેલ હોઈ જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમજ ઉશ્કેરણીજનક ભાષણ કરવા બાબતે ખંભાત પોલીસે સંજયભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય ), પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ શાહ ઉર્ફે યોગેશ સાડી, નાનકાભાઈ પટેલ, જયવીર જયરાજભાઈ જોષી, નંદકીશોર બ્રહ્મભટ્ટ, છતરડીવાળા આશ્રમના વિશ્વાનંદ સ્વામી, હીન્દુ જાગરણ મંચના હંસાબેન શ્રીગોળ, કેતનભાઈ પટેલ (રહે.નડીયાદ), હીન્દુ જાગરણ મંચના પ્રમુખ નીરવભાઈ જૈન (રહે.વડોદરા), ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કલ્પેશ પંડીત, અશોકભાઈ ખલાસી, રાજુભાઈ રાણા (કાઉન્સીલર), રીટાબેન રાણા, બલરામ પંડીત (રહે.ગંધ્રક વાડો), પાર્થિવ પટેલ (રહે.ગવારા), મંગો શાહ (ભૂતપૂર્વ કાઉન્સીલર) વિરૂધ્ધ પોલીસની મંજુરી વિના સભા યોજી ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.