આણંદ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ નબળું પડયું : પાંચ દર્દી સારવાર હેઠળ
- ગતરોજ જિલ્લામાં વધુ સાત દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- જિલ્લાને રેડ ઝોનમાંથી મુક્તિ મળે તેવી આશા : પાંચ પૈકી બે દર્દી વેન્ટિલેટર અને બે ઓક્સિજન ઉપર
આણંદ,તા. 12 મે 2020, રવિવાર
આણંદ જિલ્લો રેડ ઝોન તરફથી હવે ધીમે-ધીમે ગ્રીન ઝોન તરફ કૂચ કરી રહ્યો છે. ગઈકાલે બપોર બાદ જિલ્લામાંથી વધુ સાત કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતા હવે માત્ર પાંચ દર્દીઓ સારવાર હેઠળ રહ્યા છે. બીજી તરફ આજે બપોર સુધીમાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૮૪ ઉપર સ્થિર રહ્યો છે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નબળું પડતા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૪ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ગઈકાલ સવાર સુધી ૬૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ગઈકાલ સાંજે વધુ ૭ વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાતા હવે માત્ર ૫ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. જે પૈકી બે દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને બે દર્દીઓ ઓક્સિજન ઉપર તથા એક દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૬૮૨ વ્યક્તિઓના સેમ્પલ તપાસવામાં આવ્યા છે. જે પૈકી ૫૯૮ વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ ૭૧ વ્યક્તિઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જ્યારે ૭ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે અને ૧ વ્યક્તિનું નોન કોવીડના કારણોથી મૃત્યુ થયું છે.
જિલ્લાના નવાબી નગર ખંભાતમાં કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા આણંદ જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં કોરોના વાયરસના ખુબ ઓછા કેસ પ્રકાશમાં આવતા હવે ધીમે-ધીમે આણંદ જિલ્લાને રેડ ઝોનમાંથી મુક્તિ મળી શકશે તેવી આશા જિલ્લાવાસીઓ રાખી રહ્યા છે ત્યારે આજે બપોર સુધીમાં જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાતા વહીવટી તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહત અનુભવી હતી.