આણંદ શહેરના નવા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો : વધુ 6 નવા કેસ નોંધાયા
- સરકારી ગાઇડ લાઈનનું કડકાઇથી પાલન કરાવવા માંગ
- શહેરની મોતીકાકાની ચાલી પાસેના એપાર્ટમેન્ટ, બાકરોલ રોડ પરની પ્રમુખ ટાઉનશિપમાં કોરોનાના દર્દી નોંધાયા
આણંદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. આજે પણ આણંદ શહેરના હાર્દસમા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ મોતીકાકાની ચાલી નજીકના એક એપાર્ટમેન્ટ ખાતે તેમજ બાકરોલ રોડ ઉપર આવેલ પ્રમુખ ટાઉનશીપ ખાતેથી કોરોનાના વધુ છ નવા કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. શહેરના વધુ બે નવા વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસારો કરતા આરોગ્ય તંત્રમાં પણ ચિંતાની લાગણી વ્યાપી છે.
અનલોક-૧ના અંતિમ ચરણમાં આણંદ શહેરમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ અનલોક-૨માં પ રોજેરોજ સંક્રમણ વધી કોરોના વાયરસના નવા-નવા કેસ નોંધાઈ રહ્યા છે. શહેરીજનોની લાપરવાહી અને તંત્રની ઢીલી નીતિને લઈ સંક્રમણ વધી રહ્યું હોવાનો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે ત્યારે આણંદ શહેરમાંથી આજે વધુ છ નવા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે.
આણંદ જિલ્લાના વિદ્યાનગરના ત્રિવેણી એન્ક્લેવના ૭૫ વર્ષીય પુરુષ મોટું ફળિયું, અંબાવ-આંકલાવના ૭૨ વર્ષના પુરૃષ, પીઠબજાર ગંઠોડા શેરી, ખંભાતના ૬૧ વર્ષના પુરુષ, પ્રમુખ ટાઉનશીપ વડતાલ રોડ, બાકરોલની ૪૮ વર્ષીય મહિલા, રામજી મંદિર પાસે, નાપાડ તળપદ, આણંદના ૫૬ વર્ષના પુરૃષ તથા મિલની ચાલી પેટલાદની ૨૩ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ ૨૫૪ છે જે પૈકી ૩૩ સારવાર હેઠળ છે. ૩૩ પૈકી ૨૬ દર્દી શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં ૧ દર્દી એએમસી વડોદરા ખાતે, ૩ દર્દી જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ૩ કાર્ડિયાક કેર, ખંભાતમાં અનેએક એસ.એસ.જી. વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
હાલ આ બંને દર્દીઓને હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આણંદ શહેરમાંથી વધુ છ નવા કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પાલિકા સહિત આરોગ્ય વિભાગની ટીમો તુરત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી તેઓના પરિવારજનો તેમજ તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરી સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે તંત્ર દ્વારા આ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ મારવાની પણ કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આણંદ શહેરમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા તંત્રએ કડક વલણ અપનાવી સરકારી ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું લોકો પાસે કડકપણે પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.