Get The App

ખંભાતમાં કોરોનાનો ભરડો : આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા

- કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલા આધેડને ચેપ લાગ્યો હોવાનું અનુમાન

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
ખંભાતમાં કોરોનાનો ભરડો : આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા 1 - image



આણંદ, તા.14 એપ્રિલ, 2020, મંગળવાર

૨૧ દિવસના લોકડાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધારો કરી આ લોકડાઉન આગામી તા.૩ મે, ૨૦૨૦ સુધી લંબાવ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં ગત મંગળવારના રોજથી શરૃ થયેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં વધારો થતા આજે ખંભાત ખાતેથી વધુ એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૦ ઉપર પહોંચી છે.

આણંદ જિલ્લામાં એક સપ્તાહમાં કેસોમાં ઉછાળો : ખંભાતમાં કુલ પાંચ કેસ : જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક ૧૦ પર પહોંચ્યો : અલિંગ વિસ્તારમાં જ વધારે કેસો નોંધાયા : આરોગ્ય તંત્રની કોરોનાને ડામવાની મથામણ

ગત તા.૭ એપ્રિલને મંગળવારના રોજ આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં લોકલ સંક્રમણના કારણે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો પોઝીટીવ કેસ સૌપ્રથમ નોંધાયો હતો. ત્યારબાદ આણંદ તાલુકાના હાડગુડ ગામેથી પણ વધુ ત્રણ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. બાદમાં ગત શનિવારના રોજ જિલ્લાના નવાબીનગર ખંભાતના અલીંગ વિસ્તારમાં આવેલ મોતીવાળાની ખડકી ખાતે યુપીનો પ્રવાસ કરીને આવેલ એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં આ મહિલાના સંપર્કમાં આવેલ તેણીના પતિ તથા પુત્ર સહિત અલીંગ વિસ્તારના અન્ય એક યુવકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. તાલુકા મથક ખંભાતના અલીંગ વિસ્તારમાં કોરોના વાયરસે દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ ખંભાત ખાતે દોડી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત મહિલાના પરિવારના સભ્યો સહિત તેઓના ક્લોઝ સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરોન્ટાઈન કરી તેઓના નમૂના લઈ તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં અલીંગ વિસ્તારમાં રહેતા એક ૫૪ વર્ષીય આધેડને છેલ્લા કેટલાક દિવસથી તાવ, કફ તથા ગળાનું ઈન્ફેક્શન હોવાના લક્ષણ જોવા મળતા આરોગ્ય વિભાગે તેઓના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. જેમાં તેઓનો કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા સમગ્ર ખંભાતમાં ખળભળાટી મચી જવા પામી છે. અગાઉ કોરોના પોઝીટીવ આવેલ મહિલાના સંપર્કમાં આવવાના કારણે આ ૫૪ વર્ષીય આધેડને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં ખંભાતમાં કોરોનાના કુલ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. 

Tags :