ખંભાતની 2 મહિલા, ઉમરેઠના 2 યુવકોને કોરોના
- આણંદ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસનો ઉમેરો થતાં કુલ આંક 37 થયો
- ખંભાતના દંતારવાડા વિસ્તારની વધુ 2 મહિલાઓ અને ઉમરેઠના વ્હોરવાડના 2 યુવકોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા
આણંદ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
આણંદ જિલ્લામાં ગતરોજ કોરોનાના છ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે બપોર બાદ વધુ ચાર વ્યક્તિઓ કોરોનાના સકંજામાં સપડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના ખંભાતના દંતારવાડા વિસ્તારમાંથી વધુ ૨ મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે. સાથે સાથે તાલુકા મથક ઉમરેઠના વ્હોરવાડના બે યુવકો પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ સાંપડયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૩૭ કોરોનાના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ૨ દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે ૪ દર્દીઓનું સ્વાસ્થ્ય સારું થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ ૩૧ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૪ દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યારે અન્ય ૨૭ દર્દીઓની હાલત સ્થિર છે.
ગત તા.૭ એપ્રિલ, ૨૦૨૦થી આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કર્યા બાદ જિલ્લાના હાડગુડ, ખંભાત, ઉમરેઠ, નવાખલ અને પેટલાદમાં કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જો કે આજે બપોર સુધીમાં જિલ્લામાં એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. પરંતુ બપોર બાદ જિલ્લાના ખંભાતના દંતારવાડા વિસ્તારની બે મહિલા તેમજ ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારમાંથી એક ૨૨ વર્ષીય યુવક અને ૩૮ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા કોરોનાના દર્દીઓમાં વધુ ચાર વ્યક્તિઓનો ઉમેરો થતા જિલ્લામાં કુલ ૩૭ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જેમાં નવાખલ ગામની એક મહિલા તથા હાડગુડ ગામના બે પુરૃષ તેમજ ખંભાતના એક આધેડને સારવાર આપ્યા બાદ તેઓનું સ્વાસ્થ્ય સારું થતા આ ચારેય વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે ઉમરેઠ તથા ખંભાતના એક-એક મળી કુલ બે દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત નોંધાયેલ કુલ ૩૭ કેસ પૈકી ૨૦ દર્દીઓને સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે તેમજ ૯ દર્દીઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં તેમજ ૧ દર્દીને એન.ડી.દેસાઈ હોસ્પિટલ નડીયાદ ખાતે તથા ૧ દર્દીને અમદાવાદ ખાતેની એસવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના ટેસ્ટમાં કુલ ૩૪૩ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે જિલ્લામાં કુલ ૧૫૩૨ વ્યક્તિઓને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત ૪૮ વ્યક્તિઓને સરકારી કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકીના ૪ દર્દીઓ હાલ ઓક્સિજન ઉપર છે જ્યારે અન્ય ૨૭ દર્દીઓની હાલત સામાન્ય હોવાનું આરોગ્ય વિભાગ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.