ઉમરેઠ અને ત્રણોલના લાલપુરાની મહિલાઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
- આણંદ જિલ્લાના નોન-કન્ટેઇન્મેન્ટ ઝોન
- ઉમરેઠની 63 વર્ષીય મહિલા શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર : લાલપુરાની 60 વર્ષીય મહિલા પણ સારવાર હેઠળ
આણંદ, તા.22 મે 2020, શુક્રવાર
લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વેપાર-ધંધાને છુટછાટ આપવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લાના નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી આજે કોરોનાના વધુ બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ખળભળાટી મચી જવા પામી છે.
જિલ્લાના ઉમરેઠ તથા ત્રણોલ ખાતેથી બે અલગ-અલગ મહિલાઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રની ટીમો ઉમરેઠ તથા ત્રણોલ ગામના લાલપુરા ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓના તબીબી પરીક્ષણની કામગીરી હાથ ધરી છે. જો કે આજે સવારના સુમારે ઉમરેઠ ખાતેથી એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ગંભીર હાલતમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી છે.
લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિવિધ ધંધા-વેપારને છુટછાટ આપવામાં આવતા આણંદ જિલ્લામાં તાલુકા મથક ખંભાતના વોર્ડ નં.૫, ૬ અને ૭ને બાદ કરતા અન્ય તમામ વિસ્તારોને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાના માત્ર ખંભાત ખાતેથી જ એકાદ-બે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે સવારના સુમારે આણંદ જિલ્લાના ઉમરેઠના પીપળીયા ભાગોળ તેમજ આણંદ તાલુકાના ત્રણોલ ગામના લાલપુરા વિસ્તારમાંથી બે અલગ-અલગ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તુરંત જ ઉમરેઠ ખાતે દોડી ગયા હતા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી હતી. બીજી તરફ ત્રણોલના લાલપુરા ખાતે કોરોના વાયરસે દેખા દેતા નાનકડા ગામમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લાલપુરા વિસ્તારમાં સેનીટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરી સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે.
જિલ્લાના તાલુકા મથક ઉમરેઠના પીપળીયા ભાગોળ વિસ્તારમાં એક ૬૩ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ તેણીને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી હતી. સાથે સાથે ત્રણોલ તાબેના લાલપુરા ગામની ૬૦ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેણીને પણ કરમસદ ખાતે આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૯૧ ઉપર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કારણે કુલ ૧૦ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.