આણંદ જિલ્લામાં ફરી કોરોના વકર્યો : 4 સ્થળે 6 પોઝિટિવ કેસ નોંધાતા ગભરાટ
- રવિવાર કોરોના વિનાનો રહેતા રાહત પછી મોંકાણના સમાચાર
- ખંભાત-બોરસદમાં ત્રણ-ત્રણ અને ઉમરેઠના દાગજીપુરા અને ભાલેજમાં એક-એક કેસ નોંધાયા
આણંદ, તા.6 જુલાઈ 2020, સોમવાર
રવિવારના રોજ આણંદ જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાયા બાદ આજે જિલ્લામાં કોરોનાના ૬ નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. આજે જિલ્લાના ખંભાત ખાતેથી ત્રણ તથા બોરસદ અને ઉમરેઠ તાલુકાના દાગજીપુરા તેમજ ભાલેજ ખાતેથી એક-એક કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે ગત સપ્તાહ દરમ્યાન આણંદ શહેરમાં કોરોનાનો પ્રકોપ વધવા વચ્ચે છેલ્લા બે દિવસથી આણંદ શહેરમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી છે.
ગત સપ્તાહ દરમ્યાન આણંદ શહેર સહિત જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાંથી કોરોના વાયરસના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. તેમાંય ખાસ કરીને આણંદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઉપરા-છાપરી કોરોનાના પોઝીવીટ કેસો નોંધાતા શહેરીજનોમાં ચિંતાની લાગણી વ્યાપી હતી. જો કે રવિવારના રોજ રજાના માહોલ વચ્ચે કોરોના વાયરસે પણ જિલ્લામાં વિરામ લેતા એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જો કે આજે ફરીથી એકવાર કોરોના વાયરસે જિલ્લામાં માથુ ઉંચકતા જિલ્લાના વિવિધ સ્થળોએથી નવા ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ખંભાતના રણમુક્તેશ્વર મહાદેવ પાસે આવેલ શ્રીજીકૃપા સોસાયટી નજીકમાં રહેતા એક ૪૮ વર્ષીય પુરૃષ, ખંભાતના ત્રણ લીમડી વિસ્તારમાં આવેલ હાજીફજુના મહોલ્લામાં રહેતી એક ૬૨ વર્ષીય મહિલા તથા ખંભાતના રેલ્વે ક્રોસીંગ આંબાખાડ રોડ ઉપર આવેલ નયન સોસાયટી ખાતે રહેતા એક ૭૧ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
સાથે સાથે બોરસદ શહેરના બળીયાદેવ મંદિર નજીક રહેતા એક ૬૦ વર્ષીય પુરૃષ તેમજ ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે પરબડી પાસે રહેતી એક ૭૦ વર્ષીય મહિલા અને ભાલેજના અફીણી મહોલ્લા ખાતે રહેતી એક ૭૧ વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આજે સવારના સુમારે જિલ્લામાંથી કોરોનાના નવા ૬ પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્રની ટીમો તુરંત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારને સીલ મારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.