Get The App

ઉમરેઠના ધુળેટા ગામે કોમી છમકલું નવ શખ્સો સામે ફરિયાદ, 6 ની ધરપકડ

Updated: Oct 3rd, 2023

GS TEAM

Google News
Google News
ઉમરેઠના ધુળેટા ગામે કોમી છમકલું નવ શખ્સો સામે ફરિયાદ, 6 ની ધરપકડ 1 - image

- સોશિયલ મીડિયામાં વાંધાજનક રીલ મુકવા બાબતે 

- વાતચીત કરવા બોલાવી નવ શખ્સોએ 6 યુવાનો પર ઘાતક હુમલો કર્યો, ગામમાં તંગદિલીનો માહોલ

આણંદ : ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે ગતરોજ સોશિયલ મિડીયામાં વાંધાજનક રીલ મુકવા બાબતે કોમી છમકલું થતા ભારે ચકચાર મચી હતી. ધુળેટા ગામના એક શખ્સે ઈન્સ્ટાગ્રામમાં મોકલેલ વાંધાજનક રીલ બાબતે રીલ મુકનારને વાતચીત કરવા બોલાવતા ૯ શખ્સોએ ભેગા મળી કુલ ૬ યુવકોને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણ કિશોર સહિત નવ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી છ શખ્શોની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે ઈન્દિરા નગરી રોહીતવાસમાં રહેતા રૂદ્રકુમાર મહેશભાઈ રોહીત ગત રોજ રાત્રીના જમી પરવારી મિત્ર રોહીતકુમાર ઉર્ફે રાહુલ નરવતભાઈ રોહીત, જયદીપભાઈ રમણભાઈ રોહીત, બાબુભાઈ શનાભાઈ રોહીત, કિરણભાઈ કનુભાઈ રોહીત અને જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રોહીત સાથે  રામદેવપીરના મંદિર પાસે બાંકડા ઉપર બેસી વાતો કરતા હતા. દરમ્યાન રૂદ્રકુમાર ઈન્ટાગ્રામ ઉપર રીલ જોતા હતા ત્યારે તેઓના આઈડી ઉપર એક રીલ હતી જે ગામના એક કિશોરે મુકેલ. જે રીલ તેણે ખોટી સેન્ડ કરેલ છે તેવું લાગતા રૂદ્ર રોહીતે કિશોરને ફોન કર્યો હતો. જો કે ભૂલથી રૂદ્રકુમાર દ્વારા સુરેલી ગામના વાહીદ પઠાણને ફોન થઈ ગયો હતો અને વાહીદ પઠાણે તું ક્યાં છે હું ત્યાં આવી જઉં છું તેમ કહીને તેના કોઈ મિત્રને લઈ વાતચીત કરવા ધૂળેટા ગામે આવ્યો હતો. જો કે રૂદ્રકુમારને મળવા આવેલ વાહીદ સાથે રૂદ્રકુમારને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેથી વાહીદ પઠાણે ફોન કરી ધૂળેટા ગામના મુસ્લિમ સમાજના છોકરાઓને બોલાવતા થોડીવારમાં જ ગામના અયાન મલેક તથા અન્ય બે કિશોર ત્યાં આવ્યા હતા અને બિભત્સ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ સમયે રૂદ્રકુમાર સાથે બેઠેલ જયદીપ રોહીતે ખોટો ઝઘડો કરવાની ના કહેતા એક કિશોર બિભત્સ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને અયાન તથા અન્ય કિશોર સાથે મળી જયદીપને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ઝઘડા દરમ્યાન રૂદ્રકુમારના અન્ય મિત્રો છોડાવવા વચ્ચે પડતા અયાન સહિતના બે કિશોર અમારી સાથે ઝઘડો કરશો તો જીવતા નહીં રહેવા દઈએ તેવું કહેતા હતા. દરમ્યાન એક કિશોરના મામા અકરમખાન મુસ્તુફાખાન પઠાણ ત્યાં આવ્યા હતા અને જાતિ વાચક શબ્દોનું ઉચ્ચારણ કરી કેમ ઝઘડો કરો છો તેમ કહેવા લાગ્યા હતા.

જો કે રૂદ્રકુમાર તથા મિત્રોએ બૂમાબૂમ કરતા નજીકમાંથી ફળીયાના લોકો આવી ગયા હતા. આ સમયે કિશોરનું ઉપરાણુ લઈ ફીરદોશખાન મુસ્તુફાખાન પઠાણ તથા ગામના વારીસખાન મુસ્તુફાખાન પઠાણ અને અરબાઝખાન ઉસ્માનખાન પઠાણ ત્યાં આવ્યા હતા અને એકસંપ થઈ બિભત્સ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાતિવાચક અપમાનજનક શબ્દો બોલી આજે તો જીવતા નહીં રાખીએ તેમ કહી ઉક્ત તમામ શખ્સોએ રૂદ્રકુમાર તથા તેઓના મિત્રોને ગડદાપાટુનો માર માર્યો હતો. જો કે ફળીયાના બીજા માણસો આવી જતા ઉક્ત તમામ શખ્સો આજે તો બચી ગયા છો ફરીથી અમારી સાથે ઝઘડો કરશો તો જીવતા નહીં મુકીએ તેમ કહી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે રૂદ્રકુમાર મહેશભાઈ રોહીતે ઉમરેઠ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વાહીદ પઠાણ (રહે.સુરેલી), અયાન મલેક, અકરમખાન મુસ્તુફાખાન પઠાણ, ફીરદોશખાન મુસ્તુફાખાન પઠાણ, વારીશખાન મુસ્તુફાખાન પઠાણ અને અરબાઝખાન ઉસ્માનખાન પઠાણ (તમામ રહે.ધુળેટા) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોર વિરુધ્ધ ગુનો નોંધી છ શખ્શોની અટકાયત કરી છે.