આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો ઉમરેઠ તાલુકામાં 11 મીમી વરસાદ
- નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે
- સાંજના સમયે જિલ્લાભરમાં ભારે પવન સાથે હળવાથી ભારે ઝાપટાં વરસતા ઠંડક પ્રસરી
આણંદ, તા.6 જૂન 2020, શનિવાર
નિસર્ગ વાવાઝોડાને લઈને આણંદ જિલ્લામાં ગઈકાલ રાત્રિના સુમારે વાતાવરણમાં આચાનક પલ્ટો આવ્યો હતો. તેજ પવનો ફુંકાવાની સાથે જિલ્લાના વિવિધ સૃથળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. તેમાંય ગઈકાલ રાત્રિના સુમારે ઉમરેઠ તાલુકામાં ૧૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ચોમાસા જેવી પરિસિૃથતિનું નિર્માણ થયું હતું. આગામી બે દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડાનું જોખમ ટળ્યું છે પરંતુ વાવાઝોડની આફટર ઈફેક્ટ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. છેલ્લા ચારેક દિવસથી આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. જો કે ગઈકાલ રાત્રિના સુમારે આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. રાત્રિના સુમારે પવનની તેજ ગતિ સાથે આકાશમાં વીજળીના ચમકારા થતા જોવા મળ્યા હતા. તેજ પવન ફુંકાવાના કારણે જિલ્લામાં ઠેર-ઠેર વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા અને કેટલાક સૃથવોએ વીજળી પણ ડુલ થઈ જવા પામી હતી.
આણંદ શહેરમાં ગઈકાલ રાત્રિના ૯.૦૦ કલાકની આસપાસના સુમારે તેજ પવનો ફુંકાવાની સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને થોડી જ મિનિટોમાં મેઘમહેર થઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના આંકલાવ તાલુકામાં ૨ મી.મી., આણંદ તાલુકામાં ૧ મી.મી. અને ઉમરેઠ તાલુકામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકા મથકો ખાતે પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.