Get The App

ચરોતર પંથકમાં નવ મિનિટ માટે અગાશી, ઝરૂખાઓમાં દીપ પ્રાગટય કરાયું

- ખેડા-આણંદમાં વીજ ફ્લક્ચ્યુએશનને નિવારવા ઓછાં જનરેશન માટેની કન્ટ્રોલ સિસ્ટમ તૈયાર કરાઈ

Updated: Apr 5th, 2020

GS TEAM

Google News
Google News
ચરોતર પંથકમાં નવ મિનિટ માટે અગાશી, ઝરૂખાઓમાં દીપ પ્રાગટય કરાયું 1 - image


- બંને જિલ્લામાં અચાનક વીજ લોડ ઘટવાથી મોટાં ફ્લક્ચ્યુએશન થશે તેવી અફવા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી

નડિયાદ,તા. 5 એપ્રિલ 2020, રવિવાર

કોરોના વાયરસની લડાઇ સામે વધુ એક શસ્ત્ર આપતા પ્રધાનમંત્રીએ જાહેર કરેલ આજે રાત્રીના અંધારપટ અને દીપપ્રાગટયની ઘટનામાં ખેડા જિલ્લો પણ સામેલ થયા હતા ત્યારે તેમાં વિજ ફ્લક્ચ્યુએશનના કોઇ પ્રોબ્લેમ થયો ન હતો. જોકે, આ માટે  જિલ્લાના અને રાજ્યના વિજ અધિકારીઓએ તડામાર તૈયારીઓ કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્શમીશન કંપની (જેટકો)ના નડિયાદ ખાતેના તથા રાજ્યના એન્જીનીયરોએ આ અંગેની ટેકનીકલ માહિતી સામાન્ય પ્રજાને પહોંચાડી છે અને આજે રાત્રે માત્ર ૧૦૦ મેગા વોલ્ટથી પણ ઓછો વિજડાઉન થવાનો છે અને તે માટે જિલ્લાના અધિકારીઓએ ઓછા જનરેશન માટેની કન્ટ્રોલ સિસ્ટમ જડબેસલાક તૈયારી કરી દીધી હોવાનું પણ જાહેર કર્યું છે.

પ્રધાનમંત્રીની જાહેર અપીલ અનુસંધાને દેશની જેમ ખેડા જિલ્લાના પ્રજાજનો પણ આજે રાત્રે ઘરમાં અંધારપટ કરીને અગાશી કે ઝરુખામાં દિવો પ્રગટાવવા ઉત્સાહિત થયા છે. આખો દિવસ આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન રહી છે. તો બીજી તરફ અચાનક વિજલોડ ઘટતા મોટા ફ્લક્ચ્યુએશન થશે તેવો ડર પણ સોશ્યલ મીડીયાના માધ્યમોથી ફેલાયો છે. 

આ અંગે ટેકનીકલ માહિતી આપતા નડિયાદ ખાતેના જેટકોના અધિક્ષક ઇજનેર આર.કે.પટેલ જણાવે છે કે સમગ્ર રાજ્યમાં વોલ્ટેજ કંટ્રોલ કરવાની સિસ્ટમ  વડોદરા ખાતે છે અને રાજ્યના ૧૩ થી ૧૫ જેટલા જુદા જુદા સર્કલમાં વડોદરાના સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (એસએલડીસી)થી લોડની વહેંચણી અને કંટ્રોલ થાય છે. નડિયાદ સર્કલનો વિજપુરવઠો પણ ત્યાંથી જ પૂરો પડાય છે. નડિયાદ સર્કલમાં ખેડા અને આણંદ જિલ્લો આખેઆખો સમાયેલો છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને ગોધરાનો મોટો પાર્ટ નડિયાદ સર્કલ અંતર્ગત આવે છે. આ બઘા વિસ્તારોને નડિયાદ સર્કલ તરફથી વિજળી પૂરી પડાય છે. આ નડિયાદ સર્કલ માટે ગોત્રી ખાતે આવેલ એસએલડીસીમાંથી પૂરેપૂરી કંટ્રોલ વ્યવસ્થા થઇ ગઇ છે માટે પ્રજાજનોએ કોઇ ચિંતા કરવાની જરુર નથી.

વડોદરાના ગોત્રી ખાતે આવેલ એસએલડીસી સેન્ટરના અધિક્ષક ઇજનેર એમ.જી.ગઢવી જણાવે છે કે નડિયાદ સર્કલમાં આજે રાત્રે અંધારપટ દરમ્યાન ૧૦૦ મેેગાવોલ્ટથી પણ ઓછી વિજળીનો લોડ ડાઉન થઇ શકે તેવો અમારો અંદાજ છે. જેને માટે જનરેશન મેનેજ કરવાનું હોય છે. સાદી ભાષામાં કહીએ તો જેટલો લોડ ઓછો થાય તેટલું જનરેશન ઓછું કરવાનું થાય. માટે નડિયાદ સર્કલ વિજળીની જેટલી ઓછી ખપત હશે એટલું જરનેશન પણ ઓછું જ થાય એવી સિસ્ટમ ગોઠવાઇ ગઇ છે. માટે ખેડા-આણંદ જિલ્લાના રહીશોએ કોઇ અફવાથી ગભરાવાની જરુર નથી અને આ પ્રકારનો કોઇપણ વિજ ફ્લક્ચ્યુએશન થશે નહીં તેની અમને સૌને ટેકનીકલી ખાતરી છે. 

વિજ અંધારપટની સાથે સાથે....

* ખેડા આણંદને માટે વિજ કંપનીનું નડિયાદ સર્કલ લાગુ પડે છે.

* આ માટે વડોદરાના ગોત્રીમાં આવેલું સેન્ટર કાર્યરત્ છે. 

* રાજ્યમાં લોકડાઉન પહેલા ૧૬,૦૦૦ મે.વો લોડ અમલમાં હતો. 

* ફેક્ટરીઓ બંધ થતા ૧૬૦૦૦થી ઘટી ૯૦૦૦ જેટલો થયો.

* નડિયાદ સર્કલનો વિજળી લોડ એવરેજ ૭૦૦ થી ૮૦૦ મે.વો.હતો.

* આજે રાત્રે અંધારપટ દરમ્યાન ૧૦૦ મે.વો.થી પણ ઓછો ડાઉન થશે.

* ગોત્રી એસએલડીસીએ લોડ ડાઉનને કંટ્રોલ કરવાની સિસ્ટમ વિક્સાવી

* જિલ્લામાં વિજ ફ્લક્ચ્યુએશનની કોઇ શક્યતા નથી.

Tags :