Get The App

ચરોતરમાં ગરમીનો પ્રકોપ : તાપમાન 34.2 ડિગ્રી

- ઠંડીમાં ઘટાડો થતાં જિલ્લામાં ઠેરઠેર એસી, કૂલર અને પંખા ચાલુ થઈ ગયાં : ધરતીપુત્રો પણ શિયાળુ પાકની કાપણીમાં વ્યસ્ત બન્યા

Updated: Feb 20th, 2020

GS TEAM

Google News
Google News
ચરોતરમાં ગરમીનો પ્રકોપ : તાપમાન 34.2 ડિગ્રી 1 - image


આણંદ, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર

આણંદ જિલ્લામાં હાલ ઉનાળાની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચે જતાં બપોરના સુમારે જિલ્લાવાસીઓ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. જેને પગલે શિયાળા દરમ્યાન બંધ પડેલા એસી, કુલર અને પંખા ચાલુ કરવાની ફરજ પડી રહી છે. જો કે આગામી દિવસોમાં તાપમાન હજુ ઉંચે જશે અને વિધિવત ઉનાળાનો પ્રારંભ થશે તેમજ આ વર્ષે ઉનાળાની સિઝન આકરી રહેશે તેવી આશા હવામાન વિભાગ સૂત્રોએ વ્યક્ત કરી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૪.૨ ડિ.સે, લઘુત્તમ તાપમાન ૧૫.૨ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૪.૭ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા, પવનની ઝડપ ૧.૮ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૦.૦ રહેવા પામ્યો હતો. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજી ઉંચે જશે અને ધીમે-ધીમે ઉનાળાની ગરમીનો પ્રારંભ થશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. 

ચાલુ વર્ષે શિયાળાની મોસમની મોડી શરૂઆત થઈ હતી. જો કે ત્યારબાદ ડિસેમ્બર માસના અંતિમ ગાળામાં શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો હતો. જાન્યુઆરી માસમાં પણ સમગ્ર આણંદ જિલ્લામાં કાતિલ ઠંડી પડી હતી. ફેબુ્રઆરી માસના પ્રથમ સપ્તાહ દરમ્યાન પણ ઉત્તરભારતમાં થયેલ હિમવર્ષાની અસર વર્તાતા ઠંડીની અસર જોવા મળી હતી. જો કે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર આણંદ જિલ્લામાં ઠંડીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ધીમે-ધીમે તાપમાનનો પારો ઉંચે ચઢતા બપોરના સુમારે ગરમીનો અહેસાસ થતાં જિલ્લાવાસીઓમાં આકરા ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને બપોરના સુમારે સૂર્યદેવતા માથા ઉપર આવતા જ ગરમીનો અનુભવ થાય છે. જો કે હજી પણ મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી સામાન્ય ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉનાળાના પગરવ મંડાઈ રહ્યા છે ત્યારે ધરતીપુત્રો પણ શિયાળુ પાકની કાપણીમાં વ્યસ્ત બન્યા છે. બીજી તરફ બપોરના સુમારે ગરમીનો અહેસાસ થતાં છેલ્લા ઘણાં સમયથી બંધ પડેલ એસી, પંખા, કુલર પુન: ચાલુ થઈ ગયા છે અને આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઠંડાપીણાની હાટડીઓની સાથે સાથે શેરડીના રસના કોલ્હા ધમીધમી ઉઠયા છે.

Tags :