Updated: Mar 14th, 2023
- આણંદ જિલ્લામાં ધોરણ- 10 માં 503 અને ધોરણ- 12 માં 84 પરીક્ષાર્થીઓ ગેરહાજર
- આણંદમાં બોર્ડના પરીક્ષાર્થીઓનું મો મીઠું કરાવી, પુષ્પ આપી પરીક્ષાકેન્દ્રોમાં સ્વાગત કરાયું
બોર્ડની પરીક્ષાના પ્રારંભ સાથે આણંદ જિલ્લામાં પરીક્ષાલક્ષી વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારના સુમારે ધો.૧૦ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ઉમટી પડયા હતા. બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હોઈ વાલીઓમાં ઈંતેજારી જોવા મળી હતી. જિલ્લામાં ઠેરઠેર પરીક્ષા કેન્દ્રો ખાતે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી તથા મોં મીઠું કરાવી પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. ધો.૧૦માં આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં આણંદ ઝોનમાં કુલ-૧૧૨૮૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૦૬૩ વિદ્યાર્થીઓ હાજર અને ૨૨૧ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે પેટલાદ ઝોનમાં કુલ-૮૨૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૮૦૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આંકલાવ ઝોનમાં નોંધાયેલ કુલ-૭૬૪૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૨૬ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા અને ૭૫૧૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સવારના સેશનમાં સહકાર પંચાયત વિષયની યોજાયેલ પરીક્ષામાં નોંધાયેલ ૨૭ વિદ્યાર્થીઓ પૈકીના તમામે પરીક્ષા આપી હતી.
બપોર બાદના સેશનમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્ત્વો વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લામાં નોંધાયેલ કુલ-૬૧૨૨ વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાના વિવિધ ૪૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૬૦૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દિવસે બપોર બાદ ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ-૪૮૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૪૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૪૭૯૧ વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી.
ગુજરાતી વિષયનું પેપર સરળ રહ્યું
આણંદ : ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. ટેકનોલોજીના યુગમાં મોબાઈલનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતી વિષયમાં મોબાઈલના લાભાલાભ વિષય ઉપર નિબંધ પૂછાતા મોટાભાગના વિદ્યાર્થીઓએ મુક્ત મને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તો સાથે સાથે શહેરીકરણની બોલબાલા વચ્ચે ગામડું બોલે છે અને પર્યાવરણ જાગૃતિ અંગે એક બાળ એક ઝાડ વિષય અંતર્ગત પૂછાયેલ નિબંધમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.