બોરીઆવીની સીમમાં ગૌમાંસની બિરીયાની બનાવી મહેફિલ માણતા 5 શખ્સો પકડાયા
- પોલીસે તબેલામાં છાપો મારતા નાસભાગ મચી
- પોલીસે ગૌવંશની કતલ કરનાર તેમજ હેરાફેરી કરનાર સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આણંદ, તા. 17 એપ્રિલ, 2020, શુક્રવાર
આણંદ પાસેના બોરીઆવી ગામના સીમ વિસ્તારમાં આવેલ તબેલા ખાતે બીરીયાનીની લિજ્જત માણી રહેલ પાંચ શખ્શોને પોલીસે ઝડપી પાડી બીરીયાનીમાં વાપરવામાં આવેલ માંસ અંગે તપાસ હાથ ધરતા આ માંસ ગૌ વંશનું હોવાનું ખુલવા પામતા પોલીસે ગૌવંશની કતલ કરનાર તેમજ હેરાફેરી કરનાર સહિત કુલ સાત શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશભરમાં લોકડાઉન અમલી બનાવાયું છે ત્યારે આણંદ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. દરમ્યાન બે દિવસ અગાઉ આણંદ શહેરના આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ આણંદ ગ્રામ્ય પોલીસની ટીમને ગુપ્ત બાતમી મળતા પોલીસે બોરીઆવી ગામની હાથીયા તલાવડી વિસ્તારમાં આવેલ એક તબેલા ખાતે ઓચિંતો છાપો મારીને બીરીયાનીની મિજબાની માણી રહેલ પાંચ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી એક તપેલાંમાં મુકેલ માંસનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે અલ્તાફભાઈ ઈસુબભાઈ વ્હોરા, મહંમદશાહીલ ઉર્ફે અલ્ફાઝ ઈમ્ત્યાઝભાઈ વ્હોરા, મહંમદફરહાન ઉસ્માનગની વ્હોરા, અલ્ફાઝ સિકંદરભાઈ વ્હોરા અને સમીર ઉર્ફે મેટર સલીમભાઈ વ્હોરા હોવાનું ખુલવા પામ્યું હતું. ઘટના સ્થળેથી મળી આવેલ માંસના જથ્થાના સેમ્પલ લઈ પોલીસે એફએસએલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાન એફએસએલના અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરતા આ માંસ ગાયનું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે પકડાયેલ શખ્શોની પુછપરછ કરતા આ ગૌમાંસ તેઓએ અનવરભાઈ કુરેશી (રહે. ઈસ્માઈલનગર, આણંદ) પાસેથી લીધું હોવાનું કબુલ્યું હતું. સાથે રબાની અબ્દુલરહેમન કુરેશી (રહે.ઈસ્માઈલનગર, આણંદ) પાસેથી આ ગૌ માંસ મંગાવ્યું હોવાનું તેઓએ કબુલતા પોલીસે ગૌવંશની કતલ કરનાર અનવરભાઈ અને હેરાફેરી કરનાર રબાની સહિત સાતેય શખ્શો વિરૃધ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.