કોરોના હોટસ્પોટ ખંભાતમાં 16 મે સુધી બેંકો બંધ રહેશે
- વાયરસના વધતા સંક્રમણને અટકાવવા નિર્ણય
- રેડ ઝોન વિસ્તારમાં 8 મેથી તમામ બેંકો બંધ રાખવા જિલ્લા કલેકટરનો આદેશ
અમદાવાદ, તા. 7 મે 2020, ગુરુવાર
આણંદ જિલ્લામાં કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા ખંભાતમાં આગામી ૧૬મી મે સુધી તમામ બેંકો બંધ રાખવાનો જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આવતી કાલથી આઠ દિવસ સુધી રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેંકો સદંતર બંધ રહેશે.
ખંભાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસને અજગરી ભરડાથી વહીવટી તંત્ર ધંધે લાગ્યું છે. ખાસ કરીને અલિંગ, પીપળા શેરી વિસ્તારમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાતા તંત્ર દ્વારા આ વિસ્તારને સીલ કરીને સખત પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ગત રોજ અમદાવાદના રેડ ઝોનમાં તમામ બેંકો બંધ રાખવાનો નિર્ણય લેવાયા બાદ કોરોનાનો એપી સેન્ટર બનેલા આણંદ જિલ્લાના ખંભાતમાં પણ કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કેટલાક આદેશો જારી કરાયા છે જેમાં ખંભાત શહેરની તમામ બેંકો તારીખ ૮મે થી ૧૬ મે સુધી બંધ રહેશે. જો કે હાલાકી ના પડે તે માટે એટીએમ ચાલુ રહેશે.
લીડ બેન્ક ઓફ બરોડાના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ દ્વારા અપાયેલ આદેશ અનુસાર લોકડાઉન હેઠળ રેજ ઝોન વિસ્તાર ખંભાત શહેરની બેંકો બંધ રાખવામાં આવશે.