બંધન બેન્કના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવનારા ત્રણ પકડાયા
- આણંદમાં 100 ફૂટના રોડ પર
- 23 ફેબ્રુઆરીએ ચાર કર્મચારીને છરી- તમંચા બતાવી 88.97 લાખની લૂંટ કરી વોલ્ટમાં પૂરી દીધા હતા
આણંદ,તા. 07 માર્ચ 2020, શનિવાર
આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ બંધન બેંકમાં બેંકના ચાર કર્મચારીઓને બંધક બનાવી વોલ્ટ રૂમમાંથી રૂા.૮૮.૯૭ લાખની મત્તાની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ તેમજ એક કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ બંધન બેંકમાં ગત તા.૨૩ ફેબુ્રઆરીને રવિવારના રોજ સવારના સુમારે ત્રણ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી બેંકનું શટર બંધ કરી દઈ બેંકમાં હાજર ચારેય કર્મચારીઓને છરી તેમજ તમંચા જેવા હથિયારોનો ભય બતાવી વોલ્ટની ચાવીઓ મેળવ્યા બાદ વોલ્ટમાંથી ૮૮.૯૭ લાખ રૂપિયાની લૂંટ ચલાવી બેન્કના ચારેય કર્મચારીઓને વોલ્ટમાં પુરી દઈ ફરાર થઈ ગયા હતા.
આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગુનેગારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એટીએસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમોને પણ તપાસમાં સાથે લેવાઈ હતી.
દરમ્યાન તાજેતરમાં આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નવનિયુક્ત અજીત રાજીયાણે ચાર્જ સંભાળતા સઘન તપાસ હાથ ધરી હતી. બંધન બેંકવાળી જગ્યા, લૂંટ કરનાર આરોપીઓનું વર્ણન તેમજ ઉપયોગમાં લીધેલ વાહન અંગે આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપરના કેટલાક સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી ચકાસણી કરતા આ ગુનામાં એક સફેદ કલરની ગાડી વપરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ગાડીની પાછળની નંબર પ્લેટ ઉપર સફેદ પટ્ટી ચોંટાડેલ હોઈ ગાડીનો નંબર મેળવવા માટે વધુ તપાસ હાથ ધરાઈ હતી. દરમ્યાન એલસીબી ટીમે ગાડીનો નંબર મેળવી તેના માલિકની શોધખોળ કરી પુછપરછ કરતા આ ગાડી ગત તા.૨૨ ફેબુ્રઆરીને શનિવારના રોજ તેનો મિત્ર સંદિપ પંચાલ સગાઈ માટે છોકરી જોવા બોરસદ જવાનું કહી ગાડી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંદિપ પંચાલ બાબતે તપાસ કરતા તે અગાઉ બંધન બેંકમાં નોકરી કરતો હતો અને પોતે કી હોલ્ડર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
જેથી એલસીબી પોલીસની ટીમે આણંદ પાસેના લાંભવેલની શ્રીવિહાર સોસાયટી ખાતે રહેતા સંદિપ ચીમનભાઈ પંચાલને અટકમાં લઈ ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે તથા તેના મોટાભાઈ પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુ ચીમનભાઈ પંચાલ (રહે.લાંભવેલ) તેમજ રફીક અશરફભાઈ મલેક (હાલ રહે.સલાટીયા ફાટક)નાઓએ ભેગા મળી બંધન બેંકમાં લૂંટ કરવાનો પ્લાન બનાવી લૂંટને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવ અંગે પોલીસે સંદિપ પંચાલ, પ્રફુલ્લભાઈ ઉર્ફે પપ્પુ પંચાલ અને રફીક અશરભાઈ મલેકને ઝડપી પાડી તેઓની પાસેથી રૂા.૮૪.૪૯ લાખ રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.