- રાષ્ટ્રીય સન્માન મળતા પોલીસ બેડામાં હર્ષની લાગણી
આણંદ : આણંદ જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીને પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળતા જિલ્લા પોલીસ બેડામાં હર્ષની લાગણી વ્યાપી છે. તેઓની કારકિર્દી દરમ્યાન ૨૨૯ પોલીસ ઈનામો મળ્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળતા આણંદ જિલ્લાનું પણ ગૌરવ વધ્યું છે.
મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખ તા.૧૭-૩-૧૯૯૩ના રોજ આણંદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યા હતા અને તેઓએ ૨૮ વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને હાલ એલઆઈબી શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓની કારકિર્દી દરમ્યાન તેમણે કુલ ૨૨૯ ઈનામ સાથે રૂા.૨૦ હજાર રોકડ પુરસ્કાર મેળવ્યા છે. આ અગાઉ આણંદ પોલીસ અધિક્ષક દ્વારા એલઆઈબીમાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ તેઓને બે પ્રશસ્તિ એનાયત કરાયા હતા. એલઆઈબીમાં વર્ષ ૧૯૯૫માં તેઓ ટાઈપીસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ ૨૦૦૧ના ધરતીકંપમાં પણ તેઓએ સતત ઓફિસમાં હાજર રહી ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૦૨ના તોફાનોમાં તેઓએ બંદોબસ્તમાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને સતત ત્રણ માસ સુધી કોઈપણ રજા વિના ફરજ ઉપર હાજર રહ્યા હતા.


