For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા આગામી તા. 3 થી 21 એપ્રિલ દરમિયાન યોજાશે

Updated: Mar 15th, 2023


- આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાની તારીખ જાહેર

- ધો. 3 તથા 4 ના વિદ્યાર્થીઓને કસોટીપત્રમાં જ જવાબો લખવાના રહેશે, ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહી અપાશે

આણંદ : રાજ્યભરમાં ગતરોજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રાથમિક શાળાના ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ આગામી તા.૩જી એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન યોજાનાર છે. આ માટેની તમામ પૂર્વ તૈયારીઓ આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આરંભી દેવાઈ છે.

મળતી માહિતી મુજબ ધો.૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષાઓના પ્રારંભ વચ્ચે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાના આરે છે. ત્યારે આગામી તા.૩ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ યોજાનાર છે. આ અંતર્ગત ધો.૩ થી ૫ની પરીક્ષાઓ ૩ એપ્રિલથી ૧૧ એપ્રિલ દરમ્યાન જ્યારે ધો.૬ થી ૮ની વાર્ષિક પરીક્ષાઓ તા.૧૨ થી ૨૧ એપ્રિલ દરમ્યાન યોજાશે. આ અંગેની પૂર્વ તૈયારીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પૂર્ણ કરાઈ છે અને પરીક્ષા લેવાયા બાદ ઉત્તરવહીના મૂલ્યાંકન દરમ્યાન મોનીટરીંગ સ્ટાફ દ્વારા દેખરેખ રાખવામાં આવનાર છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવનાર છે.

વધુમાં જણાવ્યા મુજબ ધો.૩ તથા ૪ના વિદ્યાર્થીઓને કસોટીપત્રમાં જ જવાબો લખવાના રહેશે. જ્યારે ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે. ધો.૪ના અંગ્રેજી દ્વિતીય ભાષા માટે સમગ્ર વર્ષ દરમ્યાનના અભ્યાસક્રમને ધ્યાને લેવામાં આવશે. ધો.૨ થી ૫માં દરેક વિષયમાં ૪૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે જ્યારે ધો.૬થી ૮માં દરેક વિષયમાં ૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવનાર છે. આ ઉપરાંત શાળાકીય  મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધો.૫ અને ધો.૮માં ઈ-ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને બે માસના સમયગાળામાં શિક્ષણકાર્ય બાદ શાળા કક્ષાએથી પુનઃ કસોટી લેવામાં આવશે.

Gujarat