આણંદનો RR સેલનો કોન્સ્ટેબલ રૂ. 70 હજારની લાંચલેતા ઝડપાયો
- બૂટલેગર સામે કેસ ન થાય તે માટે 7 લાખ માગેલા: વાહન પણ ઉઠાવી ગયો હતો
આણંદ.તા.30 એપ્રિલ 2019, મંગળવાર
આણંદ ખાતે આરઆરસેલના કોન્સ્ટેબલે રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર પાસે કેસ ન કરવા રૂા.૮ લાખની તોડ-પાણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂા.૭૦ હજાર બાકી નીકળતી રકમની ઉઘરાણી કરતા કોન્સ્ટેબલને છેવટે એસીબીના છટકામાં ભરાવી દેતા લાંચીયા કોન્સ્ટેબલને છેવટે એસીબી પોલીસએ સંકજામાં લઈ લીધો હતો. જ્યારે તેનો અન્ય સાથીદાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગેની વિસ્તૃત જાણકારી અનુસાર આણંદમાં થોડાક દિવસ પહેલા એક બુટલેગરનો ૧૨ પેટી વિદેશી દારૂ પકડાયો હતો. જેના માટે આરઆરસેલ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા માટે બુટલેગરે તોડ-પાણીની ઓફર કરતા આરઆરસેલના કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે રૂા.૮ લાખનું સેટીંગ કર્યું હતું.
છેલ્લે રકઝક થયા બાદ આ સોદો રૂા.૭ લાખમાં નક્કી થયો હતો. ત્યારબાદ બુટલેગરે કુલદીપસિંહને પોતાના ઘરના દાગીના સહિતની અન્ય ચીજવસ્તુઓ વેચી રૂા.૬.૩૦ લાખ જેટલી રકમ કુલદીપસિંહને આપી દીધી હતી. જ્યારે રૂા.૭૦ હજાર બાકી પડતા હતા. જેના માટે કુલદીપસિંહ અવાર-નવાર બુટલેગરને ફોન કરતો હતો અને સતત ઉઘરાણી કરતો હતો.
તદ્ઉપરાંત કુલદીપસિંહ બુટલેગરના ઘરેથી વળતર પેટે બુટલેગરનું વાહન પણ ઉઠાવી ગયો હતો. ત્યારબાદ અવાર-નવાર કુલદીપસિંહની સતત ઉઘરાણીથી તંગ આવી જઈ બુટલેગરે નડિયાદ ખાતે લાંચ-રૂશ્વત વિરોધી શાખાના અધિકારીને રજૂઆત કરી સઘળી હકીકત જણાવતા લાંચ-રૂશ્વત શાખા દ્વારા બુટલેગરને રૂા.૭૦ હજાર આપી ટ્રેપ ગોઠવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાકીના રૂા.૭૦ હજાર લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જે નાણાં લેવા માટે કોન્સ્ટેબલ કુલદીપસિંહને નાણાં લેવા માટે ચિખોદરા ચોકડી ગેલોપ્સ હોટલ ખાતે બોલાવવામાં આવ્યો હતો. જે દરમ્યાન કુલદીપસિંહ આવીને બુટલેગર પાસેથી રૂા.૭૦ હજાર લેતાં લાંચ-રૂશ્વત શાખાના અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. જ્યારે કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે આવેલ તેનો મિત્ર ત્યાંથી છટકીને નાસી છુટયો હતો. લાંચ-રૂશ્વત વિભાગના અધિકારીઓએ કુલદીપસિંહ સામે કાર્યવાહી કરી છટકી ગયેલા તેના સાથીદારને પણ ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.