mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આણંદ રેલવે સ્ટેશન બીજા તબક્કામાં પણ વિકાસથી વંચિત

Updated: Feb 24th, 2024

આણંદ રેલવે સ્ટેશન બીજા તબક્કામાં પણ વિકાસથી વંચિત 1 - image


- કરમસદ રેલવે સ્ટેશનનું 7.13 કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

- એ ગ્રેડ ધરાવતા આણંદ રેલવે સ્ટેશન પર પાયાની અનેક સુવિધાઓનો અભાવ, મુસાફરો ત્રસ્ત

આણંદ : આગામી તા.૨૬મી ફેબુ્રઆરીના રોજ કરમસદ રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ કાર્યનું શિલાન્યાસ કરવામાં આવનાર છે. ત્યારે  એ ગ્રેડ ધરાવતા  આણંદ રેલવે સ્ટેશન ઉપર પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજા તબક્કામાં પણ વિકાસની બાબતમાં આણંદ રેલવે સ્ટેશનને બાકાત રાખવામાં આવતા મુસાફરોમાં તેમજ આણંદવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

એક તરફ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આણંદ રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાઓના લીધે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.  જેથી અવારનાવર આણંદ રેલવે સ્ટેશનમાં પાયાની સુવિધાઓ ઉભી કરવા તથા પુનઃનિર્માણ માટે માંગ ઉઠી છે. તેમ છતાં તંત્ર દ્વારા આણંદ રેલવે સ્ટેશન તરફ ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.વડોદરા મંડળ દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોના પુર્નવિકાસ માટે લગભગ ૧૫૫ કરોડ રૂપિયા અને આરઓબી-આરયુબીના નિર્માણ માટે લગભગ ૬૧૮ કરોડ રૂપિયા સહિત ૭૭૩ કરોડ રૂપિયાથી વધુના કાર્યો કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં વડાપ્રધાને તા.૬ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ મંડળના ૭ સ્ટેશનોની આધારશીલા મુકી હતી. જ્યાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  આ યોજનાના બીજા તબક્કામાં આગામી તા.૨૬ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી મંડળના આઠ સ્ટેશનો જેમાં કીમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ તેમજ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુર્નવિકાસ માટે શિલાન્યાસ કરશે. કરમસદ રેલવે સ્ટેશનનો ગતિશક્તિ અમૃત યોજના હેઠળ સમાવેશ કરી લગભગ ૭.૧૩ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. હાલ રેલવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ત્યારે બીજા તબક્કામાં પણ આણંદને બાકાત રાખવામાં આવતા સ્થાનિક નેતાઓ માત્ર વાતો કરતા હોવાની અને દરવખતે રેલવે તંત્ર દ્વારા લોલીપોપ આપવામાં આવતી હોવાના આક્ષેપો મુસાફરોમાંથી ઉઠયાં છે. 

સરદાર પટેલનું જીવનચરિત્ર રજૂ કરતા ચિત્રોનું નિર્માણ કરાશે 

કરમસદ રેલવે સ્ટેશનના નવનિર્માણમાં વિશાળ કેમ્પસ, આધુનિક પ્રવેશદ્વાર, આધુનિક બેઠક વ્યવસ્થા, પીવાલાયક શુધ્ધ પાણી, માર્ડન શૌચાલય, અદ્યતન ટીકીટ બારી, વાહનો માટે મોટા પોર્ચ પાર્કિંગ વ્યવસ્થાના મજબૂત સ્ટ્રક્ચર સાથે પ્લેટફોર્મ તૈયાર કરાશે. સાથે સાથે સરદાર પટેલની લોખંડની વિશાળ પ્રતિમા તેમજ જીઆઈડીસી તરફ ૧૦૦ મીટર લાંબી અને ૬ મીટર ઉંચી દિવાલ બનાવી સરદાર પટેલનું જીવનચરિત્ર્ય રજૂ કરતાં ચિત્રો નિર્માણ કરાશે.સાથે સાથે દિવ્યાંગોને પ્લેટફોર્મ ઉપર ચઢવા ઉતરવાની વ્યવસ્થા સાથે દિવ્યાંગ માટે આધુનિક શૌચાલય બનાવવામાં આવશે.

Gujarat