આણંદ નગરપાલિકાની સભા તોફાની બની : ચીફ ઓફિસરનો ઘેરાવો કરાયો
- સફાઈકર્મીઓના સળગતા પ્રશ્નો સહિતના મામલે
- વિપક્ષના હોબાળા વચ્ચે ફાયર વિભાગમાં અગ્નિશામક અને એમ્બ્યુલન્સ વાન ખરીદવા સહિતના 71 કામ મંજૂર
બપોરના ૧૨.૦૦ કલાકે શહેરના ટાઉનહોલ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ન.પા.ની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ગત સભાના હિસાબો મંજૂર કરવા સહિત શહેરના વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન નાખવા માટેની ચર્ચા-વિચારણાના પ્રશ્નો રજૂ કરાયા હતા. સામાન્ય સભાના પ્રારંભે જ અપક્ષ કાઉન્સીલર મહેશભાઈ વસાવા પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરને સફાઈકર્મીઓ તથા કામદારોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા માટે ગયા હતા. જો કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાન્ત પ્રજાપતિએ તેઓની રજૂઆત અંગે બેહુદુ વર્તન કરતા અન્ય વિપક્ષી કાઉન્સીલરો પણ સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા અને સી.ઓ.નો ઘેરાવો કર્યો હતો. આ તમામ ગતિવિધિઓ વચ્ચે સત્તાધારી પક્ષે એજન્ડાના ૬૯ અને વધારાના ૨ કામ મળી કુલ ૭૧ કામો બહુમતીના જોરે મંજૂર કરી સભા સમાપ્તિની જાહેરાત કરતા પાલિકાની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં જ આટોપાઈ ગઈ હતી. સભા પૂર્ણ થયાની જાહેરાત થયા બાદ પણ વિપક્ષી કાઉન્સીલરો દ્વારા ઈન્ચાર્જ ચીફ ઓફિસરને જોરદાર રજૂઆત કરાઈ હતી અને તેઓની રજૂઆત કેમ સાંભળવામાં આવતી નથી ? સાથે ઈન્ચાર્જ ચીફ ઓફિસર તેઓની ફરજમાં ભારે અનિયમિત હોવાના પણ આક્ષેપો કરાયા હતા.
આણંદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર લાઈન, પમ્પીંગ સ્ટેશનોની કામગીરી, ત્રણ નવી એસટીપી, શહેરના ટી.પી.૪, ૮, ૯, ૧૦ના વિવિધ વિસ્તારોમાં જુની ગટર યોજનામાં ખામી હોવાથી નવી ગટર યોજનાના નિર્માણની કામગીરી આણંદ ફાયર વિભાગમાં અગ્નિશામક અને એમ્બ્યુલન્સ વાન ખરીદવાના કામને મંજૂરી અપાઈ હતી. બાકરોલ ઝોનના સાકરબા પાર્ક માર્ગ ઉપર પેવિંગ કામ માટે ૩.૭૪ લાખ તથા હોળી ચકલામાં સીસીસી કામને મંજૂરી અપાઈ હતી. દીવાબત્તી વિભાગમાં નવીન હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટે રૂા.૨૭ લાખ મંજૂર કરાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ તળાવોની આસપાસ તથા બાગ બગીચાની સાફ-સફાઈ માટે સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી.
અસભ્ય વર્તન થતો હોવાનો વિપક્ષનો આક્ષેપ
શહેરના વોર્ડ નં.૩ના અપક્ષ કાઉન્સીલર મહેશભાઈ વસાવા સહિતના વિપક્ષી કાઉન્સીલરોએ જણાવ્યું હતું કે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં જ્યારે પણ અમો કોઈ રજૂઆત લઈને ચીફ ઓફિસર પાસે જઈએ છીએ ત્યારે તેઓ અમારી સાથે અસભ્યતાપૂર્વક વર્તન કરે છે. જે અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવનાર છે. જો કે આ અંગે નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાન્ત પ્રજાપતિએ તમામ આક્ષેપો જુઠ્ઠા હોવાનું જણાવ્યું હતું.