આણંદના બજારો સજ્જડ બંધ : સરદારગંજમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા ભીડ જામી
- રાજ્ય સરકાર દ્વારા અઠવાડિયાનું મીની લોકડાઉન જાહેરાત બાદ
- તા. 28 એપ્રિલથી તા. 5 મી સુધી આવશ્યક ચીજવસ્તુ સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે
આણંદ : રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે અઠવાડિયાનું મીની લોકડાઉન જાહેર કર્યા બાદ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આણંદ જિલ્લામાં ગતરોજ જાહેરનામું પ્રસિધ્ધ કરી આણંદ શહેરમાં મીની લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં આજથી આગામી તા.૫મી મે સુધી આણંદ શહેરમાં વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત થતા આજે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે શહેરના સરદારગંજ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ શહેરના અન્ય બજારોમાં વેપાર-ધંધા બંધ રહેતા બપોરના સુમારે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મુકવા છતાં આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતુ ત્યારે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૫મી મે સુધી અમદાવાદ શહેર ઉપરાંત અન્ય કેટલાક શહેરોમાં મીની લોકડાઉન લગાવાયું છે. જે અંતર્ગત મંગળવારના રોજથી આણંદ શહેરમાં પણ અઠવાડિયાનું મીની લોકડાઉન જાહેર કરાતા ફક્ત આવશ્યક સેવાઓ સિવાયના અન્ય વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. મીની લોકડાઉનની જાહેરાત થતાની સાથે જ આજે સવારના સુમારે આણંદ શહેરના ખ્યાતનામ એવા સરદારગંજ બજારમાં જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જેને પગલે કેટલીક દુકાનોની બહાર કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ શહેરના સુપરમાર્કેટ, ટૂંકીગલી, ટાવર બજાર, સ્ટેશન રોડ, ગામડીવડ સહિતના વિવિધ વિસ્તારોમાં વેપાર-ધંધા બંધ રહેતા બપોરના સુમારે માર્ગો સુમસામ ભાસી રહ્યા હતા. આણંદ શહેર પોલીસ દ્વારા આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલીંગ હાથ ધરી આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી. સાથે સાથે આણંદ શહેર ફાયરબ્રિગેડ દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લાઉડ સ્પીકર મારફતે વેપાર-ધંધા બંધ રાખી જાહેરનામાનું પાલન કરવા અપીલ કરાઈ હતી.
ઉમરેઠના 4 ગામો સજ્જડ બંધ
ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધવા પામ્યા છે ત્યારે લોકો કોવિડ સેન્ટરના અભાવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે. તેમાં પણ મોટાભાગે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોઈ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવવી પડે છે ત્યારે ઉમરેઠ તાલુકાના ચાર ગામોમાં સુંદલપુરા, થામણા, ઉંટખરી અને ઘોરામાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે ત્યારે ગ્રામજનો દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ કરી સહકાર આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગામડી ગામે કેસો વધતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
આણંદ નજીક આવેલ ગામડી ગામે પણ વધતા જતા કોરોના સંક્રમણને પગલે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આજથી તા.૫મી મે સુધી સાંજના ૪.૦૦ થી સવારના ૬.૦૦ કલાક દરમ્યાન તમામ વેપાર-ધંધા બંધ રાખવા તેમજ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને જરૂર હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળવા અનુરોધ કરાયો છે.