Get The App

આણંદ જિલ્લામાં ૨૪ કલાકમાં અડધાથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ : વીજળી પડતાં એકનું મોત

- ચરોતર પંથકમાં મેઘરાજાની સવારી : ઠેર ઠેર પાણી ભરાતાં પ્રિ-મોન્સૂન પ્લાનના લીરે લીરા ઊડયાં

- બોરસદના ભાદરણીયામાં વીજળી વેરણ બની : એક બાળકીનું મોત : અડાસમાં વીજળીએ એક ભેંસનો ભોગ લીધો : પેટલાદના જોગણમાં ગુંદાનું ઝાડ પડતાં બે ભેંસોના મોત

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં ૨૪ કલાકમાં અડધાથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ : વીજળી પડતાં એકનું મોત 1 - image


આણંદ, તા. 14 જુન 2020, રવિવાર

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગથી વાવણી લાયક વરસાદ થઇ જતાં ખેડૂતોમાં આનંદની હેલી છે. જો કે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધાથી માંડીને બે ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. શનિવારની મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર ખાનાખરાબી સર્જાઈ હતી. જેમાં બોરસદ તાલુકાના ભાદરણીયા ગામે વીજળી પડતાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અડાસમાં વીજળી પડતાં એક ભેંસનું મોત થયું હતું. જ્યારે પેટલાદના જોગણમાં ભારે પવનથી ગુંદાનું ઝાડ તૂટી પડતાં બે ભેંસોના દબાતાં મોત નિપજ્યાં હતાં.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લામાં શનિવારના રોજ વહેલી સવારથી જ આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા હતા અને અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો. જો કે રાત્રિના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. 

જેના પગલે જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઇ જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે પેટલાદ, આણંદ સહિતના વિસ્તારોમાં એકથી માંડીને બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં.

બોરસદ તાલુકાના ભાદરણીયા ગામે રવિવારના વહેલી સવારે ૬.૩૦ કલાકે વરસાદ સાથે આકાશી વીજળી પડવાથી સંગદેવ વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ઇલાબેન ઉમેદભાઈ ઠાકોરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પેટલાદ તાલુકાના જોગણ ગામે ભારે પવનથી ગુંદાનું ઝાડ જમીનદોસ્ત થતાં ઝાડની નીચે બાંધેલી બે ભેંસોના દબાઈ જવાથી મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત અડાસ ગામે ઝાડ નીચે બાંધેલી ભેંસ પર વીજળી પડતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ત્રણેય કિસ્સામાં તંત્ર દ્વારા પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Tags :