Get The App

આણંદ જિલ્લામાં આરટીઇ હેઠળ 2175 અરજીઓ આવી, 283 રિજેકટ કરાઇ

Updated: Apr 25th, 2023

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં આરટીઇ હેઠળ 2175 અરજીઓ આવી, 283 રિજેકટ કરાઇ 1 - image


- 211 ખાનગી શાળામાં 25 ટકા બેઠકો પર ગરીબ બાળકોને પ્રવેશ અપાશે 

- જિલ્લામાં 1297 અરજીઓ મંજૂર : 567 અરજી વાલીઓએ કેન્સલ કરાવી : 27 અરજી પેન્ડિંગ 

આણંદ : આણંદ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ-૨૧૭૫ અરજીઓ કરાઈ હતી. જેમાંથી ૧૨૯૭ અરજી મંજૂર કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ જિલ્લાની ૨૧૧ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો ઉપર આરટીઈ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. જેને લઈ આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તા.૧૦ થી ૨૨ એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. ચાલુ વર્ષે આરટીઈમાં ફોર્મ ભરવા માટે ઈન્કમ ટેક્ષ રીટર્ન ફરજિયાત કરવામાં આવતા અરજીઓમાં ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે. 

કેટલાક વાલીઓએ ભરેલી અરજી પણ કેન્સલ કરાવી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬માં શરૂ થયેલી આરટીઈ હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૬૭, વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૧૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૫૩, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૪૭૦, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૦૫૪, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૮૭૩, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૫૮૦ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬૧૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. 

જો કે વિતેલા વર્ષોમાં કેટલાક વાલીઓએ બનાવટી ડોક્યુમેન્ટ તેમજ નિયમ વિરુધ્ધ એડમીશન મેળવ્યા હોવાની ફરીયાદ ઉઠતા તપાસ કમિટી નિમાશે તેવું ગાણું શિક્ષણ વિભાગ દ્વારા ગાયા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે. આ મામલો આખરે રાજ્ય કક્ષાએ પહોંચતા ચાલુ વર્ષે આ યોજનામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો વાલીઓએ ફોર્મની સાથે ઈન્કમટેક્ષ રીટર્ન જોડવાની ફરજ પડાતા તેની અસર ફોર્મ ભરવામાં જોવા મળી હતી. આરટીઈ હેઠળ અરજી કરવાના છેલ્લા દિવસ સુધીમાં આણંદ જિલ્લામાં કુલ-૨૧૭૫ અરજીઓ આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ અરજીઓ પૈકી ૧૨૯૭ અરજીઓ મંજૂર કરાઈ છે. જ્યારે ૨૮૩ અરજીઓ રીજેક્ટ થવા સાથે ૫૬૭ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરાવવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ૨૮ જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે આણંદ જિલ્લામાં આરટીઈ હેઠળ ૧૬૧૭ અરજીઓ મંજૂર કરાઈ હતી.

3 મેથી પ્રવેશ પ્રકિયાનો પ્રથમ રાઉન્ડ થશે 

આવતીકાલથી એટલે કે તા.૨૫ એપ્રીલથી ૨૭ એપ્રિલ દરમ્યાન અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવામાં આવશે. જ્યારે ૨૯ એપ્રીલ સુધી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તા.૩-૫-૨૦૨૩ના રોજ પ્રવેશ પ્રક્રીયાનો પ્રથમ રાઉન્ડ રહેશે.

Tags :