આણંદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરતા અટકાયત થઈ
- સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરતા
- ૧૪૪મી કલમ લાગુ હોવાથી પોલીસે મહિલાઓ સહિત ૧૦ થી ૧૫ કાર્યકરોની અટકાયત કરી બાદમાં છોડી મૂકયા
આણંદ, તા.17 જૂન 2020, બુધવાર
અસહ્ય મોંઘવારી અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત આણંદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજરોજ આણંદ શહેરના ટાઉનહોલ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જો કે જિલ્લામાં ૧૪૪ની કલમ અમલી બનાવાઈ હોઈ વિરોધ પ્રદર્શન કરી રહેલ મહિલાઓ સહિત કોંગી કાર્યકરોની શહેર પોલીસે અટકાયત કરી હતી.
કોરોના વાયરસની મહામારીને લઈ દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરાતા આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા લોકોની આવક અને રોજગારી છીનવાઈ હતી ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૃા.૨નો વધારો કરી દેવાતા સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના પ્રજા વિરોધી નિર્ણયને લઈ કોંગ્રેસ આક્રમક મુડમાં આવી ગઈ છે અને ગતરોજ સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું. જે અંતર્ગત આણંદ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સહિતના કાર્યકરો આજે સવારના સુમારે આણંદ શહેરના ટાઉનહોલ નજીક એકત્ર થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિરોધ પ્રદર્શન શરૃ થયાની થોડી જ મિનિટોમાં શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરાયેલ હોઈ ચારથી વધુ વ્યક્તિઓએ જાહેરમાં એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોઈ શહેર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ ૧૦ થી ૧૫ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. તમામ પ્રદર્શનકારીઓને શહેર પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તમામનો છુટકારો થયો હતો.
જો કે પ્રદર્શનકારીઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોઈ પોલીસની ટીમમાં મહિલાઓનો અભાવ હોવાને લઈ પ્રદર્શનકારી મહિલાઓની અટકાયતમાં પોલીસને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. કોંગી કાર્યકર અને નગરસેવક પલક વર્માએ સૂત્રોચ્ચાર ચાલુ રાખી ઘટના સ્થળે જ ધરણાં કરતા પોલીસ વિમાસણમાં મુકાઈ હતી. બાદમાં એક ટીઆરબી મહિલા જવાનને બોલાવી તેઓની અટકાયત કરવાનો પ્રયાસ કરતા ખેંચતાણ પણ થઈ હતી. પરંતુ પલક વર્મા ટસના મસ ન થતા પોલીસ દ્વારા મહિલા પોલીસને બોલાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જો કે બાદમાં સમજાવટ બાદ પલક વર્મા તથા તેમની સાથેની મહિલા કોંગી કાર્યકરોએ નમતુ જોખતા એક ઓટો રીક્ષા દ્વારા તેઓને પોલીસ મથકે લઈ જવાયા હતા.