FOLLOW US

બોરસદના રૂદેલ ગામે યુવક સાથે 1.88 લાખની ઓનલાઇન છેતરપિંડી થઇ

Updated: Mar 15th, 2023


- બેંક ખાતાની બ્રાન્ચ બદલવા માટે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો અને ઠગાયા

- એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, ઓટીપી મેળવી ગઠિયાએ ગણતરીની મિનિટોમાં જ બેંક ખાતુ સાફ કરી નાંખ્યું

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રૂદેલ ગામના એક યુવકને અજાણ્યા હિન્દીભાષી ગઠીયાએ બેંક ખાતુ ટ્રાન્સફર કરવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી બેંક ખાતામાંથી રૂા.૧.૮૮ લાખ ઉપરાંતની રકમ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હોવાના બનાવે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના રૂદેલ ગામે ટાવર નજીક રહેતા નિરજકુમાર સુરેશભાઈ પટેલના કાકા કિર્તીભાઈ રણછોડભાઈ પટેલ હાલ અમેરીકા રહે છે. તેઓ ભારત આવેલ હોઈ તેમનું ખાતુ બેંક ઓફ બરોડા બોરસદ બ્રાન્ચમાંથી આણંદ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરાવવાનું હોઈ તેઓએ ગુગલ ઉપરથી બેંક ઓફ બરોડાના કસ્ટમર કેર નંબર મેળવી સંપર્ક કર્યો હતો. ગત તા.૨૯ ડીસેમ્બર-૨૦૨૨ના રોજ સાંજના સુમારે કાકાનું ખાતુ ટ્રાન્સફર કરવા માટે નિરજકુમારે આ કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરતા સામેથી હિન્દીભાષી વ્યક્તિએ ખાતુ ટ્રાન્સફર કરવા માટે ફી પેટે રૂા.૫ નેટ બેકિંગવાળી એપથી હું કહી તે લીંક ઉપર ટ્રાન્સફર કરી આપવાના રહેશે તેમ જણાવ્યું હતું. જો કે નિરજકુમારે પોતે ઓનલાઈન પેમેન્ટ માટેની એપ વાપરતા ન હોવાનું કહેતા સામેથી બોલી રહેલ વ્યક્તિએ મોબાઈલ નંબર ઉપર એક લીંક મોકલી આપી હતી. જે લીંક પર જવા જણાવતા એનીડેસ્ક નામની લીંક ઓપન થતા ઓટીપી આવ્યો હતો. જે તેઓએ શેર કર્યો હતો. બાદમાં ઓટીપી શેર કરતાની સાથે થોડી ક્ષણોમાં અલગ-અલગ મળી કુલ્લે રૂા.૧,૮૮,૨૩૬ તેઓના એચડીએફસી બેંક ખાતામાંથી ઉપડયા હોવાના મેસેજ તેમના મોબાઈલમાં મળ્યા હતા. જેથી તેઓએ જે-તે મોબાઈલ નંબર ઉપર ફોન કરી જણાવતા તમારા પૈસા પરત આવી  જશે તેમ કહ્યું હતું. પરંતુ પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા નિરજકુમાર પટેલે આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠીયા વિરુધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat
News
News
News
Magazines