આણંદ જિલ્લામાં 29 માર્ચ સુધી તમામ જનસેવા-આધાર કેન્દ્રો, પુરવઠા શાખાઓ બંધ
- કોરોનાથી સાવધાની રાખવા
- આણંદ જિલ્લા વહીવટી તંત્રએ આદેશ જારી કર્યો
આણંદ, તા.21 માર્ચ 2020, શનિવાર
વિશ્વભરમાં કોરોના વાઈરસના વધતા પ્રભાવને લઈને પ્રજાજનો ચિંતાતુર બન્યા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઈરસના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા તંત્ર સફાળુ જાગ્યું છે. કોરોના વાઈરસના વધતા પ્રભાવને રોકવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારના રોજથી તા.૨૯ માર્ચ, ૨૦૨૦ સુધી જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો, આધાર સેન્ટર તેમજ પુરવઠા શાખાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવીડ-૧૯ને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારતના અન્ય રાજ્યોમાં તેમજ ગુજરાત રાજ્યમાં પણ નોવેલ કોરોના વાઈરસના કેસો નોંધાયેલ છે આ વાઈરસનો ફેલાવો અટકાવવા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા વખતોવખત સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ વાઈરસ લોકોના એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
મામલતદાર કચેરી ખાતેની જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર તેમજ પુરવઠા શાખામાં ખુબ વધારે સંખ્યામાં લોકો આવતા હોઈ તકેદારી તેમજ વાઈરસને ફેલાતો અટકાવવાના ભાગરૂપે તા.૨૧/૦૩/૨૦૨૦ થી ૨૯/૦૩/૨૦૨૦ સુધી આપતા તાલુકાની/આપના અધિકાર ક્ષેત્રમાં આવતા હોઈ તેવા તમામ જનસેવા કેન્દ્રો, આધાર કેન્દ્રો અને પુરવઠા કચેરીઓની કામગીરી બંધ રાખવા જણાવાયું છે.
કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ કચેરીમાં ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવા જણાવાયું છે તેમજ જરૂર જણાય અરજદારને ઓનલાઈન અરજી કરવા સુચના અપાઈ જવા વિનંતી છે.