FOLLOW US

અમૂલ ડેરીમાં ફરીથી 3 સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક કરાઇ

Updated: Mar 18th, 2023


- અગાઉ કોંગ્રેસના 3 ડિરેક્ટરોએ  હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા : ફરી નિમણૂંકને લઇને રાજકારણ ગરમાયું

આણંદ : આણંદની અમૂલ ડેરીમાં પુનઃ એકવાર ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકની તરેહ તરેહ પ્રકારની ચર્ચાઓ વિવાદનો વંટોળ ઉઠવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ સહકારી ક્ષેત્રમાં અગ્રીમતા ધરાવતી અમૂલ ડેરીમાં સત્તા હસ્તગત કર્યા બાદ ભાજપ દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપ તરફથી ચૂંટણી લડેલ અને કોંગ્રેસના દિગ્ગજ અમિત ચાવડા સામે ઓછા માર્જીનથી હારનો સ્વાદ ચાખેલ ગુલાબસિંહ પઢીયાર (કહાનવાડી)ની અમૂલના સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરાઈ છે. સાથે સાથે ખેડા જિલ્લાના જયેશભાઈ ચીમનભાઈ પટેલ તથા મહીસાગર જિલ્લાના મહેશભાઈ જુવાનસિંહ સોલંકીની પણ નિમણૂંક કરાઈ છે. અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના ત્રણ ડીરેક્ટરોએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી.  અમૂલના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓના મત રદ્દ કરાયા હતા. હવે પુનઃ એકવાર ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંક કરવામાં આવતા સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીમાં સત્તા હસ્તગત કર્યા બાદ ઘણા વર્ષોથી ચેરમેનપદુ ભોગવનાર અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરાયા છે અને તેઓના કાર્યકાળ દરમ્યાન થયેલ કેટલાક કર્મચારીઓની ભરતી સામે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જેને લઈ ભાજપ સાથે જોડાયેલ રામસિંહ પરમાર સહિતના કેટલાક ડીરેક્ટરોમાં નારાજગી વ્યાપી હોઈ રામસિંહ પરમાર સાથે સમર્થકોનું મોટું જૂથ હોઈ આગામી સમયમાં યોજાનાર અમૂલ ડેરીની બોર્ડ બેઠકમાં રામસિંહ પરમારનું સમર્થક જૂથ કોંગ્રેસના ડીરેક્ટરોનું સમર્થન લઈ વિરોધ કરે તો ભાજપની ખુરશી ડોલવા લાગે તેવી શક્યતાઓને લઈ રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ બહુમતી લેવા માટે પોતાના ત્રણ સરકારી પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હોવાનું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ડીરેક્ટરો કેટલાક અસંતુષ્ટ ડીરેક્ટરોના છૂપા સહકારથી પુનઃ એકવાર આ નિર્ણય સામે હાઈકોર્ટના દ્વારા ખખડાવવાની તૈયારીઓ કરી હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.

Gujarat
Magazines