આણંદ કલેક્ટરના ક્લિપકાંડમાં એસીબી તપાસમાં આવવાની શક્યતા
Updated: Aug 26th, 2023
- પૈસાના જોરે ફાઇલો ક્લિયર કરાવતા બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા
- નાયબ મામલતદાર જેડી પટેલે અનેક બિલ્ડરો સાથે સાયલેન્ટ પાર્ટનરશીપ કર્યાની ચર્ચા
લગભગ સાડા ત્રણ વર્ષથી જમીન શાખામાં રહેલ નાયબ મામલતદાર જે.ડી. પટેલને કલેક્ટર કચેરીમાં મોટા ભાગે મલાઈદાર જગ્યા ઉપર પોસ્ટિંગ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે આણંદના અનેક બિલ્ડરો સાથે વિવિધ સ્કીમોમાં તેની ભાગીદારી હોવાની પણ ચર્ચા છે. કેટલાક બિલ્ડરોની અનેક ફાઈલો જે.ડી.પાસે પેન્ડિંગ છે અને આવી ફાઈલોના વહીવટ પણ પુરા કરી દેવાયા હોઈ કેટલાક બિલ્ડરો હાલ ભારે ચિંતા વચ્ચે અસમંજસમાં હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે.
તકરારી ફાઈલો ક્લીયર કરાવવા આ ષડયંત્ર રચાયું હોવાનું ખુલતા બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. કઈ જમીન અંગેની ફાઈલો હતી અને કયા બિલ્ડરની આ ફાઈલો છે તે અંગે ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડ ઉજાગર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ઘોંચમાં પડેલી બિલ્ડરોની તકરારી ફાઈલો આવા વચેટિયાઓ જે.ડી. પટેલ જેવા ભ્રષ્ટ અધિકારીની મીલીભગતથી ગણતરીના દિવસોમાં જ ક્લીયર કરાવી દેતા હોય છે. જેના બદલામાં વચેટીયાઓ દ્વારા બિલ્ડરો પાસેથી મોટા આર્થિક વ્યવહારો પણ કરાતા હોવાનું જાણવા મળ્યું છે. જે.ડી. પટેલ પોલીસના સકંજામાં આવતા જ આવા નામચીન વચેટિયાઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ કલેક્ટરના વિડીયો કાંડમાં એસીબી મેદાનમાં આવવાની શક્યતા છે. સસ્પેન્ડેડ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ તથા નાયબ મામલતદાર જે.ડી. પટેલ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે આ મામલે ગુપ્ત રાહે તપાસ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નાયબ મામલતદાર જે.ડી.પટેલના સતત સંપર્કમાં રહેતા મળતીયાઓ તથા વહીવટદારો અંગે પણ તપાસ થવાની શક્યતાઓ છે. સાથે સાથે એસીબી અને ઈ.ડી. દ્વારા કલેક્ટર કચેરીમાંથી ક્લીયર થયેલ ફાઈલોનું રીવ્યુ પણ થઈ શકે છે.
વિડીયો કાંડ મામલે આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરાયા બાદ મિલિન્દ બાપનાને ઈન્ચાર્જ તરીકે કલેક્ટરનો કારભાર સોંપવામાં આવ્યો છે. તેઓએ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને પારદર્શક વહીવટ માટે સૂચના આપી મળતીયાઓથી દૂર રહેવાના આદેશ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.