બોરસદના રાસ ગામના 9 જેટલા યાત્રિકો મધ્યપ્રદેશના યાત્રાધામ પન્ના ખાતે અટવાયા
- દર્શનાર્થીઓ 16 માર્ચે ટ્રેન મારફતે પન્ના ગયા હતા
- લોકડાઉનના લીધે ફસાયેલા લોકોને વતન પરત લાવવા ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત
આણંદ, તા.29 એપ્રિલ 2020, બુધવાર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામેથી મધ્યપ્રદેશના પ્રસિધ્ધ યાત્રાધામ પન્ના ખાતે દર્શનાર્થે ગયેલા ૯ જેટલા દર્શનાર્થીઓ પન્ના ખાતે અટવાઈ પડયા છે. લોકડાઉનને લઈને તેઓને પરત વતન આવવામાં મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે તંત્ર દ્વારા આ દર્શનાર્થીઓ માટે સુવિધા કરવામાં આવે તેવી લોકલાગણી છે.
વધુમાં દર્શનાર્થે ગયેલ એક દર્શનાર્થીના જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના રાસ ગામના બે દંપત્તી સહિત કુલ ૯ દર્શનાર્થીઓ ગત તા.૧૬ માર્ચના રોજ ટ્રેન મારફતે મધ્યપ્રદેશના પન્ના ખાતે આવેલ પ્રસિધ્ધ તીર્થધામ પ્રણામી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. બાદમાં આ તમામ દર્શનાર્થીઓએ તા.૨૩મી માર્ચના રોજ વતન પરત આવવા માટે એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. જો કે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરાતા ટ્રેન વ્યવહાર સહિતના તમામ પરિવહન બંધ થઈ જતા રાસ ગામના આ ૯ દર્શનાર્થીઓને પન્ના ખાતે રોકાણ કરવાની ફરજ પડી છે. દર્શનાર્થે ગયેલ રાસ ગામના આ ગ્રામજનોને પરત લાવવા માટે વિવિધ વિભાગોમાં રજૂઆત કરાઈ છે. પરંતુ હજી સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી. લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર શરૃ થશે તે આશાએ તેઓએ તા.૧૬મી એપ્રિલના રોજ પરત આવવા માટે ટ્રેનનું બુકીંગ કરાવ્યું હતું. પરંતુ લોકડાઉન લંબાતા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી આ ૯ દર્શનાર્થીઓ પન્ના ખાતે અટવાઈ પડયા છે.
પન્ના ખાતે અટવાઈ પડેલ દર્શનાર્થીઓના પરિવારજનોમાં હાલ ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દર્શનાર્થીઓને વતન પરત લાવવા માટે મદદ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.